અમરેલી: રાજ્યમાં હાલ શિયાળો બરાબરનો જામ્યો છે. શિયાળાની સાથે બાગાયતી પાક પણ ખુબ ફુલ્યો ફાલ્યો છે, અમરેલી સહિત સૌરાષ્ટ્રના અસંખ્ય ખેડૂતોએ બાગાયતી પાકનું વાવેતર કર્યુ છે. આરોગ્યની દ્રષ્ટીએ માનવજીવન માટે ફળો ખુબજ ફાયદાકારી છે, ત્યારે અમરેલી પંથકના એક ખેડૂતે રેડ ડાયમંડ તાઈવાન જામફળની સફળ ખેતી કરી છે અને તેમાંથી સારી એવી કમાણી કરી છે અને કહી રહ્યાં છે, કે આ ખેતી બીજા કરતા ક્યાંય ફાયદાકારક છે
અમરેલી જિલ્લામાં ઘણા એવા પ્રગતિશીલ ખેડૂતો છે, જેઓએ પરંપરાગત ખેતી છોડીને બાગાયત પાક તરફ મહેનત કરીને સારી એવી આર્થિક પ્રગતિ કરી છે, આવા પ્રગતિશીલ ખેડૂતોમાં ગમાં પીપળીયા ગામના ખેડૂત પ્રેમજીભાઈ પાનસેરીયાનો પણ સમાવેશ થાય છે.
રેડ ડાયમંડ તાઇવાન જામફળનું વાવેતર: 10 ધોરણ સુધી અભ્યાસ કરેલા 52 વર્ષીય પ્રેમજીભાઈએ પોતાની 5 વિઘા જમીનમાંથી 3 વિઘા જમીનમાં રેડ ડાયમંડ તાઇવાન જામફળનું વાવેતર કર્યું છે,જેમાંથી તેમણે સારૂ એવું આર્થિક ઉપાર્જન મળી રહ્યું છે. ખેડૂત પ્રેમજી ભાઈના જણાવ્યા અનુસાર તેમણે રેડ ડાયમંડ તાઇવાન જામફળના 500 રોપાનું વાવેતર કર્યું હતું.
જામફળમાંથી લાખો રૂપિયાની કમાણી: 1 રોપાનો ભાવ 70 રૂપિયા આપીને તેઓ લાવ્યા હતા આમ 500 રૂપિયા રોપાઓનો ખર્ચે તેમને 35000 રૂપિયા જેટલો આવ્યો હતો. જ્યારે અન્ય વાવેતર ખર્ચ 10 હજાર થયો હતો. આગામી વર્ષ માં બે વિઘામાં 2 લાખથી વધુનું ઉત્પાદન મળવાની ગણતરી છે. જ્યારે 25 હજાર ખર્ચ કરવામાં આવશે જેથી 1 લાખ 75,000 હજાર રૂપિયા જેવો તેમને નફો મળશે તેવી તેમને આશા છે.
રેડ ડાયમંડ જામફળનું મબલક ઉત્પાદન: પ્રેમજીભાઈએ રેડ ડાયમંડ તાઇવાન જામફળનું વાવેતર કર્યાને 2 વર્ષ થયાં છે અને પહેલું ઉત્પાદન વાવેતર બાદ 8 મહિને આવ્યું હતું, જેમાં વિઘા દીઠ તેમને 20 હજાર રૂપિયાનું ઉત્પાદન મળ્યું હતું. જ્યારે બીજા વર્ષે પાક ઉત્પાદનમાં 60 હજાર એક વિધાએ મળ્યુ હતું. આમ 2 વિઘામાં સરેરાશ તેમને 1 લાખ 13 હજારનું ઉત્પાદન મળ્યું હતું.
બાગાયતી પાકની સફળ ખેતી: જ્યારે 2 વિઘામાં અંદાજિત 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો તેથી 1 લાખ રૂપિયા તેમને ચોખો નફો મળ્યો છે અને કહી રહ્યું છે, જામફળની ખેતી બીજા બધા પાક કરતા ક્યાંય ફાયદાકારક છે. મહત્વપૂર્ણ છે કે, પીપળીયા ગામના પ્રેમજીભાઈ જેવા ખેડૂતો જામફળ જેવા સીઝનલ ફળોની ખેતી કરીને સારા ઉત્પાદન સાથે સારી આવક પણ મેળવી રહ્યાં છે અને અન્ય ખેડૂતોને પણ બાગાયતી પાક તરફ પ્રેરક ઉદાહરણ પુરુ પાડી રહ્યાં છે.