અમરેલી: ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તે ગરીબોના ઘર સુધી પહોંચી તે પહેલાં તેના વાવેતર દરમિયાન ખેડૂતોને તનતોડ મહેનત કરવી પડે છે. મોંઘુદાટ બિયારણ ઉપરાંત સમય-સમય પર પિયત અને ખુબ જ માવજત બાદ ડુંગળીનો પાક તૈયાર થાય છે. જોકે, ક્યારેક ડુંગળીની ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન પણ ભોગવવું પડે છે. તેથી ડુંગળીની ખેતી બધાજ ખેડૂતો માટે સરળ હોતી નથી. ત્યારે અમરેલી પંથકના એક પ્રગતીશીલ ખેડૂતે ડુંગળીનું મબલક ઉત્પાદન સાથે સારો ભાવ મેળવીને ડુંગળી પકવતા અન્ય ખેડૂતોમાં ચર્ચા જગાવી છે.
કસ્તુરીની કમાલ: અમરેલી જિલ્લામાં ચોમાસુ પાકમાં મોટાભાગના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના વાવેતર બાદ સારી એવી માવજત કરીને ખેડૂતો હાલમાં સારૂં ઉત્પાદન પણ મેળવી રહ્યાં છે. સામાન્ય રીતે દરેક ખેડૂતને એક વીઘે 300 થી 400 મણ ડુંગળીનું ઉત્પાદન મળતું હોય છે પરંતુ અમરેલી પંથકના પ્રાગજીભાઈ અરજણભાઈ ઠેશિયા નામના ખેડૂતને એક વીઘે 10 ટન ડુંગળીનું ઉત્પાદન મળી રહ્યું છે.
એક વિઘામાં 10 ડુંગળીનું ઉત્પાદન: પ્રાગજીભાઈ ઠેશીયાએ માત્ર છ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, તેઓ બગસરા તાલુકાના કાગદડી ગામે રહે છે, તેમની પાસે 6 એકર જમીન છે અને તેમણે 10 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યુ હતું. અને પ્રત્યેક વિઘાએ 10 ટન ડુંગળીનું ઉત્પાદન મેળવ્યું છે. આમ
એક વીઘે તેમને તમામ ખર્ચ બાદ કરતાં 70 હજાર રૂપિયાનો ભાવ મેળવ્યો છે. ડુંગળીનો સારો ભાવ મળતા પ્રાગજીભાઈને ડુંગળીની ખેતીમાં કરેલી મહેનત હાલ બેવડો આર્થિક ફાયદો કરાવી રહી છે.
ડુંગળીના વાવેતર સમય પહેલા હળવી ખેડ કરવામાં આવે છે, ત્યારબાદ દેશી ખાતર નાખવામાં આવે છે અને જમીનને પોચી અને ભરભરી બનાવવામાં આવે છે. ત્યાર બાદ જ્યા વાડીમાં ધરૂ તૈયાર કર્યો હોય ત્યાંથી ધરૂ લાવવામાં આવે છે અને તેનું વાવેતર કરવામાં આવે છે. સામાન્ય રીતે ડાયરેક્ટ વાવેતર કરતાં ધરુંનું વાવેતર અને રોપણી કરવામાં આવે છે, જેમાં ઉત્પાદન વધે છે. આમ 1 વિઘે અમે 10 ટનનું ઉત્પાદન મેળવ્યું છે. ડુંગળીના પાકમાં ખૂબ જ માવજત કરવી પડે છે અને મહેનત પણ વધારે કરવી પડે છે. પરંતુ સારો ભાવ મળતા અને વધુ ઉત્પાદન થાય છે જેથી નફા કારક ખેતી થાય છે સામાન્ય રીતે ખેડૂતનું 300 થી 400 મણ ઉત્પાદન થાય છે પરંતુ અમને 500 મણથી વધુનું ઉત્પાદન થયું છે. - પ્રાગજીભાઈ ઠેશિયા, ખેડૂત
મહેનત અને માવજત: પ્રાગજીભાઈએ ડુંગળીની માવજત વિશે જણાવ્યું હતું કે, ડુંગળીના વાવેતર સમયે ધરુંને 30 મીનિટ ફૂગ નાશક દવામાં રાખવામાં આવે છે, ત્યારબાદ તેનું વાવેતર કરવામાં આવે છે. સાથે જ પીયત સમયે ગ્લો કોપર સલ્ફર તેમજ અન્ય દવા અને ખાતર આપ્યું હતું. આ ઉપરાંત ડુંગળીના વાવેતર બાદ સમય અંતરે ખાતર આપવામાં આવે છે. ડીએપી યુરિયા તેમજ ઝિંક કોપર ખાતરનો છંટકાવ કરવામાં આવે છે અને રોગ સામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભલામણ કરવામાં આવે છે તે મુજબ જ રોગ નિયંત્રણ દવાનો છંટકાવ કરવામાં આવે છે.
ડુંગળીના મબલક ઉત્પાદન સાથે અધધ કમાણી: પ્રાગજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાના ગામ (કાગદડી) તેમજ આજુબાજુના વિસ્તારમાં અન્ય ખેડૂતોને સારી માવજત ન કરતા હોય અને સામાન્ય માવજત કરતા હોય જેથી ખેડૂતોને 200 થી 300 મણ ડુંગળીનું ઉત્પાદન મળે છે. જ્યારે પોતાને 450 થી 600 માણ સુધીનું ઉત્પાદન મળી રહે છે. ડુંગળીનો ભાવ એક ટનનો 9000 થી 15,000 રૂપિયા સુધીનો મળી રહે છે અને પોતાને એક વીઘે 70 હજાર રૂપિયા તમામ ખર્ચ બાદ કરતાં મળી રહે છે. દરેક ખેડૂતને 20,000 સુધી એક વીઘે નફો મળે છે, જ્યારે તેમને દરેક ખેડૂત કરતા 50 હજાર રૂપિયા સુધીનો વધુ નફો મળી રહે છે.