અમરેલી: જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હવે પશુપાલન અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, એમાં પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું ચલણ ખુબ વધી રહ્યું છે. જેથી ઉત્પાદનમાં વધારો અને નફાકારક ખેતીની સાથે-સાથે ખર્ચમાં ઘટાડો થાય છે. તેની સાથે જ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી હોવાથી ઉત્પાદિત થયેલ જણસના ભાવ જાહેર માર્કેટ કરતાં વધુ સારા મળી રહે છે.
પ્રાકૃતિક ખેતીમાં પ્રગતિ: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામના જયસુખભાઈ માડાણી નામના 48 વર્ષીય ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં ખુબ પ્રગતિ કરી છે. જયસુખભાઈ આમ તો વર્ષોથી ખેતી કરે છે, પરંતુ છેલ્લાં 6 વર્ષથી એટલે કે, 2018થી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. હાલમાં તેમણે પોતાની 5 વિઘા જમીન ધરાવતી વાડીમાં શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરીને સારૂં એવું ઉત્પાદન મેળવ્યું છે, એમાં પણ રિંગણના ઉત્પાદનમાં સારો એવો ફાયદો મેળવ્યો છે. જાહેર માર્કેટ કરતાં 8 ગણો વધુ ભાવ તેમણે મેળવ્યો છે. જયસુખભાઈએ માત્ર 7 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો પરંતુ પ્રકૃતિમય ખેતી તેમણે પીએચડી કરી નાખ્યું હોય તેવું જ્ઞાન ધરાવે છે.
ઓર્ગેનિક શાકભાજીની ડિમાન્ડ: જયસુખભાઈના જણાવ્યા અનુસાર શરૂઆતમાં તેમને ઓછું ઉત્પાદન મળતું હતું, પરંતુ જ્યારથી તેઓ પ્રાકૃતિક ખેતીમાં આગળ વધતા ગયા તો સારું ઉત્પાદન પણ મેળવતા ગયા અને ઉત્પાદિત શાકભાજી સાથે સારો ભાવ પણ મેળવતા થયાં. એટલું જ નહીં ઓર્ગેનિક શાકભાજી માટે સુરત અને અમદાવાદના લોકો પણ તેમને ઓર્ડર આપે છે અને તે મુજબ તેઓ શાકભાજી મોકલી પણ દે છે. બજારમાં હાલમાં 10થી 20 રૂપિયે કિલો મળતા રિંગણા તેમની વાડીએ થી લોકો બમણા ભાવ આપીને ખરીદી જાય છે. લોકો દૂરદરથી અને બીજા ગામમાંથી તેમને ત્યાં શાકભાજી ખરીદી કરવામાં આવે છે અને મોઢે માંગ્યા ભાવ આપી જાય છે.
ગીર આધારિત પ્રાકૃતિક ખેતીમાં સફળતા: જયસુખભાઈને 3 ગીર ગાય પણ અને આજ ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશ વગેરેનો ઉપયોગ તેઓ પ્રાકૃતિક ખેતીમાં કરે છે. તેમના જણાવ્યા અનુસાર શરૂઆતના સમય દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવી તેમને ખૂબ જ મુશ્કેલ લાગતી હતી પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમને ખૂબ જ સરળ લાગવા માંડી. ચાલુ વર્ષે તેમને અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતી માંથી મળી રહેવાનો વિશ્વાસ છે. હાલ તેમણે પોતાની વાડીમાં ભીંડો, મરચા, ટામેટા, કોબી અને રીંગણાનું વાવેતર કર્યુ છે અને હાલ ઉત્પાદન મેળવી રહ્યાં છે. તેમની વાડીમાંથી ઉત્પાદન થતા તમામ શાકભાજી અમરેલી અને લીલીયામાં મોકલવામાં આવે છે અને તેના ખુબ સારા ભાવ મળી રહે છે. કેટલાંક લોકો તો બીજા ગામોમાંથી કે દૂરદૂરથી તેમની વાડીએ આવીને પણ રિંગણ સહિતના શાકભાજી મોંઘા ભાવે ખરીદી જાય છે.
મહત્વપૂર્ણ છે કે,છે કે ગાય આધારિત ખેતી હોવાથી તેમાંથી ઉત્પાદીત શાકભાજીના સ્વાદમાં ખૂબ જ તફાવત જોવા મળે છે જેથી મોટાભાગના લોકો હવે જયસુખભાઈના વાડીએ આવે છે અને હોંશેહોંશે શાકભાજીની ખરીદી કરે છે. આમ સફળ પ્રાકૃતિક ખેતીના પગલે ઓર્ગેનિક શાકભાજીના મામલે જયસુખભાઈએ સમગ્ર પંથકમાં આગવી ચર્ચા જગાવી છે.