જૂનાગઢ : જૂનાગઢ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ શ્વાનનું સીટી સ્કેન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. પોરબંદરના ટાયસન નામના શ્વાનનો પાછલા એક વર્ષથી કોઈ બીમારીને લઈને ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ તેમાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે સિટી સ્કેન કરવાનો નિર્ણય કર્યો છે. જૂનાગઢ ડોગ કેર હોસ્પિટલમાં શ્વાનનું સીટી સ્કેન કર્યું છે.
જૂનાગઢ જિલ્લાનો પ્રથમ કિસ્સો : જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત પાલતુ પ્રાણીનું સીટી સ્કેન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં ડોગ કેર હોસ્પિટલના તબીબ મિથુન ખટારીયાને ત્યાં પોરબંદરના બાદલ ઓડેદરા પોતાના શ્વાનને લઈને આવ્યા હતા. શ્વાન બીમાર હોવાના કારણે તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ બીમારીનું કોઈ ચોક્કસ કારણ સામે નહીં આવતા શ્વાનનું સીટી સ્કેન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
શ્વાનનું સીટી સ્કેન : સૌપ્રથમ તો શ્વાનના માલિકે સીટી સ્કેનને લઈને થોડી અચરજ વ્યક્ત કરી હતી. પરંતુ અંતે શ્વાનનું સીટી સ્કેન પૂર્ણ થયું અને એક વર્ષથી ચાલતી બીમારીનું કારણ પણ સામે આવ્યું. એક સ્વસ્થ માણસની માફક શ્વાનનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે. જેમાં શ્વાનને આઠ કલાક સુધી ભૂખ્યા રાખ્યા બાદ એનેસ્થેસીયા આપીને સીટી સ્કેન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ પ્રકારે કોઈ પાલતું શ્વાન કે પ્રાણીનું સીટી સ્કેન કર્યું હોવાનો જૂનાગઢ જિલ્લામાં આ પ્રથમ બનાવ હતો.
શ્વાનની બીમારીનું નિદાન : પોરબંદરના બાદલભાઈ ઓડેદરાનો શ્વાન 4 વર્ષનો છે. છેલ્લા એક વર્ષથી તે હાડકાની કોઈ બીમારીથી પીડિત જણાતો હતો. અનેક સારવાર છતાં બીમારીનું કોઈ ચોક્કસ નિદાન થતું ન હતું. ત્યારે બીમારીની જડ સુધી પહોંચવા માટે ડો. મિથુન ખાટરીયાએ જૂનાગઢ સુવિધા ઇમેજમાં શ્વાનનું સીટી સ્કેન કર્યું હતું. ત્યારબાદ તેના રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું કે ટાયસન નામના શ્વાનને સંધિવાની તકલીફ છે.
પ્રાણીઓને થતી બીમારી : સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકો શ્વાન અને બિલાડી પાળવાનો શોખ ધરાવે છે. પશુઓને પણ માણસને થતા રોગની માફક જ શરદી, તાવ, ઉધરસ, શ્વસનતંત્ર તેમજ હૃદય અને શરીરના આંતરિક અંગોની સાથે સંધિવાની બીમારી પણ થતી હોય છે. આધુનિક પશુ વિજ્ઞાનમાં હવે પાલતુ પ્રાણીઓની તકલીફનું પણ નિદાન થઈ રહ્યું છે.