સુરત: 'ITS TIME TO CLEANUP DUMAS BEACH' ના ધ્યેય સાથે સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા પ્રોજેક્ટ સુરત ગ્રુપ અને શહેરની વિવિધ એનજીઓ દ્વારા સુરતના ડુમસ બીચ ખાતે આયોજિત સ્વચ્છતા ડ્રાઈવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મેયર દક્ષેશ માવાણી સહભાગી બન્યા હતા. જેમાં સુરતીઓએ બીચ પર રહેલા પ્લાસ્ટિક, બેગ, થેલીઓ, ચંપલ, ગ્લાસ, કાચ, ચમચીઓ, ડીશ, દોરીઓ, પૂજાપા સહિતની વસ્તુઓને એકઠી કરી નિકાલ કર્યો હતો. આ સાથે સૌએ સ્વચ્છ અને સુઘડ સુરતને જાળવી રાખવા અને બીચને પ્લાસ્ટિકમુક્ત રાખવાનો સંકલ્પ લીધો હતો.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો અનુરોધ: સ્વચ્છતા ડ્રાઇવમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, સ્વચ્છતા સુરતીઓની આદત બની રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જાગૃત્ત નાગરિકોના સહયોગ સાથે મળીને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. પ્રોજેક્ટ સુરત ગ્રુપ તેમજ વિવિધ એનજીઓ અને મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી દર રવિવારે તાપી નદી અને સુરતના ડુમસ દરિયા કિનારે યુવાઓને પ્રેરિત કરીને સ્વચ્છતા ડ્રાઈવ યોજી રહ્યા છે. દર રવિવારે પોતાના રૂટિન કાર્ય સાથે વધારાનો સમય આપણા સુરતના ડુમસ બીચની સ્વચ્છતા પાછળ ફાળવે એ જાગૃત્ત સુરતીઓની તાસીર છે.
વરસતા વરસાદમાં ડુમસ બીચ સ્વચ્છતા અભિયાન : વધુમાં તેમણે કહ્યું હતું કે, સુરત એ નદી અને દરિયા કિનારે વસેલું શહેર છે. પવિત્ર તાપી નદી સાથે આપણી આસ્થા જોડાયેલ છે, જેથી પવિત્ર તાપી નદી તેમજ દરિયા કાંઠાને સાફ રાખવા આપણી ફરજ છે. ભારે વરસાદમાં શહેરના યુવાનો ડુમસ બીચના દરિયા કિનારાને સાફ રાખવા અને પ્લાસ્ટિકમુક્ત કરવા જોડાયા છે. જે સરાહનીય છે. ડુમસ બીચ ખાતે પરિવાર સાથે આવનાર પ્રવાસીઓ પણ અનુભવી રહ્યા છે કે પ્લાસ્ટિકના સામાન નદી, દરિયાના ફેકવાથી ગંદકી સાથે પ્લાસ્ટિક પોલ્યુશન પણ થઈ રહ્યું છે, જેથી સ્વચ્છ સુરતને ઉત્તરોત્તર વધુ સ્વચ્છ બનાવવા અનુરોધ કર્યો હતો.