રાજકોટ: ધોરાજીના હાર્દસમા વિસ્તારમાંથી પસાર થતો જેતપુર રોડ જે છ માસ પૂર્વે તંત્ર દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યુ હતું અને તેને સિમેન્ટ(પાકો) રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્તમાન સમયની અંદર ચોમાસાના કારણે અનેક જગ્યાઓ પર ખાડા ખબડાઓ તેમજ રસ્તાની ખરાબ હાલત થઈ ચૂકી છે. જેના કારણે અહીંયાથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સાથે જ અહીંયા વારંવાર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, ત્યારે આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો રાહદારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે.
જેતપુર રોડ જીવા દોરી સમાન રોડ છે: ધોરાજી શહેરના કોંગ્રેસ અને ભાજપના પ્રમુખો દ્વારા આ મામલે પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે. આ રોડ અંગે ધોરાજીના સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ રાજ્યગુરુએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ધોરાજી શહેરનો જેતપુર રોડ કે જે જીવા દોરી સમાન રોડ છે. આ રોડ પર હોસ્પિટલ, શાળાઓ અને અન્ય આવન-જાવન માટેનો રસ્તો છે. આ રસ્તો વાહનો તેમજ અન્ય પરિવહનના મુખ્ય રસ્તા તરીકે જાણીતો છે, જે ધોરાજીનો મુખ્ય સ્ટેટ હાઇવે છે. આ રોડ પર થોડા જ સમય પહેલા સરકાર દ્વારા સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. જેમાં છ માસ પહેલા જ બનેલા આ રસ્તામાં અનેક ખાડાઓ અને ગાબડાઓ પડ્યા છે. ત્યારે આ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે. તો બીજી તરફ ઘણા લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યા છે.
લોકોને અકસ્માતનો ભય: આ રસ્તા પર અગાઉ કુંડીઓ માટેની જાળીઓ નાખવામાં આવી હતી. જે જારીઓ ખરાબ થઈ જતા ત્યાં ઢાંકણાઓ પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ ઢાંકણાઓની આજુબાજુનો ભાગ પણ તૂટવા લાગ્યો છે જેના કારણે લોકોને અકસ્માતનો ભય રહે છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ ધ્યાન દેતું નથી, ત્યારે તેમની માંગણી છે કે આ રોડ પર જે ભ્રષ્ટાચાર થયો છે તેમના જવાબદાર તમામ અધિકારીઓને ઘરે બેસાડી અને તેમની પાસેથી રિકવરી લેવી જોઈએ.
મામા માસીનો કોન્ટ્રાક્ટ છે: આ મામલે ધોરાજીના કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું છે કે, ધોરાજીની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે. આ રસ્તા પર આજથી છ માસ પૂર્વે તંત્ર દ્વારા સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ બનાવાયેલા રસ્તાની અંદર ગાબડાઓ અને ખાડાઓ પણ પડી ગયા છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિત જાણ પણ કરવામાં આવી છે. પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે, કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ એટલે કે મામા માસીનો કોન્ટ્રાક્ટ છે. જેથી અધિકારીઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે.
આ મામલે સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક સાંસદ કોઈપણ કાર્યવાહી હાથ ધરતા નથી. કે કોઈ પણ કાર્યવાહીની અમલવારી કરાવવા માટે અધિકારીઓને સૂચના આપતા નથી. જેના કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ રસ્તાને ત્રણ ફૂટ જેટલો ખોદીને બનાવવામાં આવ્યો છે. જેના કારણે ફૂટપાથનો ઉપયોગ પણ ન થઈ શકે તેવી સમસ્યા ઉદ્ભવી છે, અને લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે.
રાજુભાઈ બાલધાનું નિવેદન: ખરાબ રસ્તાની સમસ્યાને લઈને અને ભાજપ પર લગાવેલા કોંગ્રેસના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા ધોરાજીના ભાજપ પ્રમુખ રાજુભાઈ બાલધાએ જણાવ્યું છે કે, ધોરાજીમાંથી પસાર થતો આ જેતપુર રોડ કે જેમાં થોડા જ સમય પહેલા સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. તે સિમેન્ટ રોડ પર કોન્ટ્રાક્ટરની ખામીઓ હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી લાગતા વળગતા અધિકારી અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે પાયા વિહોણા છે. કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવતું હોય છે, તે નીતિ નિયમો મુજબ આપવામાં આવતું હોય છે, જેમાં કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ, કોંગ્રેસ કે અન્ય પાર્ટીનો હોય છે તેવું નથી અને સરકારમાં નીતિનિયમ મુજબ કામ આપવામાં આવતું હોય છે અને આમાં અમારા તરફથી પણ રજૂઆતો કરવામાં આવી છે. અને સરકાર પણ આ મામલે પગલાં લેવા માટે તત્પર છે.