અમદાવાદ : આજે દેશભરમાં 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં સ્થિત કોંગ્રેસ કાર્યાલય રાજીવગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ અને સેવાદળના કાર્યકરોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી : આ તકે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ખૂબ લાંબી ચાલેલી લડત બાદ આપણને આઝાદી મળી, તે વખતે સ્વાતંત્ર્ય સેનાનીઓએ લાંબો સંઘર્ષ કર્યો અને વિરગતી પામ્યા, તે તમામના ચરણોમાં હ્રદયપૂર્વક નમન કરું છું. આપણે દેશમાં લાંબા સમય સુધી ગુલામી ભોગવી. સૌથી વધારે અસરકારક દાંડી યાત્રા થઈ, એ પણ ગુજરાતમાંથી થઈ. આઝાદીની લડાઈ લડવામાં કોંગ્રેસ પક્ષની વિચારધારા મજબૂત હતી. સરદાર અને ગાંધીની જન્મભૂમિ પણ ગુજરાતની છે, તેથી આપણને વધુ ગૌરવ થાય.
ભાજપ પર નિશાન સાધ્યું : અંધ ભક્તો કહે છે પપ્પાએ રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકાઈ દીધું. તો મારી વિનંતી છે બાંગ્લાદેશ જાઓ અને સરખું કરો. કટોકટીની વાત કરનારા લોકોને આજે મારે કહેવું છે કે, દેશમાં કોઈ અદાલત હોય તો જનતા અદાલત છે અને કટોકટી બાદ પણ લોકોએ ઈન્દિરાજીને વડાપ્રધાન બનાવ્યા હતા. જે તે સમયે ત્રિરંગાનો વિરોધ કરનારા આજે મોડા-મોડા ત્રિરંગા યાત્રા કાઢે છે. આ ત્રિરંગો દેખાડો કરવા ન હોવો જોઈએ, પણ તેની આન, બાન, શાન સાથે ગૌરવ જળવાવું જોઈએ.
આર્થિક અસમાનતાનું સ્તર વધ્યું : દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીની પરિકલ્પના હતી કે, સામાજિક અને આર્થિક આઝાદી પણ જરૂરી છે. પૈસાદાર અને ગરીબ વચ્ચે છેલ્લા પંદર વર્ષમાં આર્થિક અસમાનતાનું સ્તર વધ્યું છે. 22 લોકો પાસે દેશના સિત્તેર ટકા જેટલું ધન છે, મુઠ્ઠીભર લોકો માલામાલ થાય છે. દેશની આઝાદી માટે વિચારધારાને અનુકૂળ હોય અને આઝાદીમાં માફી માંગ્યાનો ઇતિહાસ છે. સતાનો દૂર ઉપયોગ કરીને સરકાર પાસે ગૌચરની જમીન મેળવેલ લોકો પોલીસ ફરિયાદ કરે છે. ખોટા કેસો અંગ્રેજોએ પણ ઘણા કર્યા હતા, તેમની સત્તા જતી રહી હતી.