સુરતઃ સુરત CID ક્રાઈમએ વધુ એક મોટી કામગીરી કરી છે. સુરત CID ક્રાઇમ એ મહારાષ્ટ્રના થાણેથી લેભાગુ કંપનીના 7 આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલ આરોપીઓએ સુરત મહાનગર પાલિકાના પૂર્વ સેનેટરી ઇસ્પેક્ટર સહિત 23 જેટલા લોકોને લોભામણી લાલચ આપી અલગ અલગ સ્કીમો પધરાવી 70 લાખ જેવી મોટી રકમ ચાઉ કરી હતી અને રફુ ચક્કર થઈ ગયા હતા. ત્યારે સુરત CID ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે સાત જેટલા ઇસમોને ઝડપી લીધા છે. હજુ 20 જેટલા ઇસમો પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વ્યાજના સપના બતાવ્યાઃ ટોળકીએ બેંક કરતા વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા હતા. સાથે રોકાણકારોને સોના-ચાંદી દાગીના તેમજ અલગ અલગ દેશમાં ટુરના મોંઘા પેકેજની ઓફર આપી હતી.જેમાં સુરતમાંથી 3 હજાર લોકોએ કરોડોની રકમ રોકાણ કરી હતી. ખાસ કરીને આ કંપનીએ 1 વર્ષથી લઈ 6 વર્ષ સુધીમાં અલગ-અલગ રિફન્ડેબલ પ્લાનોમાં રોકાણ કરાવી 1.5 ટકાથી 14.5 સુધીનું વ્યાજ આપવાની સાથે એજન્ટને 0.25 ટકાથી 10 ટકા સુધી કમિશન આપવાના સપના બતાવ્યા હતા.
આટલા સામે ગુનોઃ ડિંડોલીમાં રહેતા અને પાલિકાના રિટાયર્ડ સેનેટરી ઈન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે હેમંત જાંભલે, તેની પત્ની પ્રતિભા, અશોક બારવકર, સુવર્ણા બારવકર, પ્રમોદ બોરાટે, મનીષ રાણે, વિજય ભુકણ, કિશોર જાધવ, રામદાસ કૌલે, સંતોષ જાધવ, રત્નદીપ દેવકુળે, એકનાથ બનસોડે, દયાનંદ રાઠોડ, અજય પાલ, રવિકાંત માતે, નરેન્દ્ર સીનોય, વિશ્વનાથ શીનોય, ડી.ડી.બારને, સંજય સોલંકી અને અલ્પેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે.
છેતરપિંડીનો આંક વધી શકેઃ જ્યારે આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ, કલ્પેશ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ, સુકેતુ દેસાઈ, રીતેષ આહીર, સુનિલ પટેલ સહિત 7ની ધરપકડ કરી છે. સાતેય આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા. હજુ છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે.