સુરત: સુરતના ઓલપાડના ગોથાન રેલવે સ્ટેશન પાસે એક ટ્રેન દુર્ઘટના બની હતી. જેમાં અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા અચાનક જ છૂટા પડી ગયા હતા. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. કોચ પાછળના કપ્લિનમાંથી 7 કોચ અલગ થઇ ગયા હતા. જેના પગલે રેલ્વે તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ અંગે તપાસ હાથ ધરી હતી.
આ મામલે મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની કે અકસ્માત થયો નથી. હાલ આગળની ટ્રેનને રેલવે વિભાગ દ્વારા રવાના કરવામાં આવી હતી. જ્યારે ખામી સર્જાયેલા કોચને સ્ટેશજ ખાતે નિરીક્ષણ માટે રખાયા છે. ટ્રેનમાં ક્યા કારણોસર ખામી સર્જાઈ તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ડબ્બા છૂટા પડી ગયા પછી યાત્રીઓએ જણાવ્યો અનુભવ
યાત્રી ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે, સવારે 8.50 મીનીટે અમદાવાદથી મુંબઈ તરફથી ડબલ ડેકર ટ્રેનમાં અચાનક જ કોચ નંબર 7 અને 8 એ બંને ચાલુ ગાડીમાં અલગ થઇ ગયા હતા. એક બહેન અહી ઊભા હતા એમને બુમ પાડી હતી જેથી લોકો અહીં ભેગા થયા હતા અને આ બનાવની જાણ થઇ હતી. આ પછી રેલ્વેના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને રેલ્વેના અધિકારીઓએ અહી પહોંચીને તપાસ કરી તો જાણ થઇ કે કંપલિંગ કે જે બે કોચને જોડે છે તે કંપલિંગ તૂટી ગયું છે. જેને લઈને આ બનાવ બન્યો છે. હવે રેલ્વેના અધિકારીઓ કોચ 7 ને કાઢીને 6 અને 8ને મળાવીને ટ્રેનને આગળ મોકલશે.
રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે અહીં ટ્રેનમાં રિપેરીંગ કામ થઇ ગયું છે. એક ડબ્બો અલગ થયો હતો. હાલ રિપેરીંગ થઇ ગયું છે અને સિંગલ મળતા જ ટ્રેનને રવાના કરવામાં આવશે.