સુરત: શહેરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે, બે દિવસ અગાઉ સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ ખાતેથી એક મહિલાની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર પહોચી હતી, પોલીસ તપાસ કરતા મહિલાના હાથ પર સાધના હરીચંદ્ર નામનું હિન્દીમાં લખેલું છુંદણ હતું. તેમજ મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા પોલીસે મહિલાને લાશને પીએમ અર્થે ખસેડી મૃતક મહિલા કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન પીએમ રિર્પોટમાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાની ઓળખ થઇ ન હોય મહિલાની ઓળખ કરવા સાથે આરોપીનું પગેરું મેળવવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આખરે આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોકાવનારા ખુલાસા થયા છે. મહિલાની હત્યા 68 વર્ષીય તેના પ્રેમી ગોરખ ક્થ્થુ મહાલેએ કરી હોવાનું બહાર આવ્યું હતું. જયારે મહિલાની ઓળખ 45 વર્ષિય હીરાબાઈ હરી નાટેકર તરીકે થઇ હતી, આરોપીને 5 સંતાન છે જયારે મૃતક મહિલાને સંતાનમાં બે પુત્રી છે.
પીએમ રીપોર્ટમાં તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું
બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડમાંથી મહિલાની લાશ મળી આવી હતી તે સમયે મહિલાની ઓળખ થઇ શકી ન હતી. પોલીસે પીએમ માટે મહિલાની લાશને મોકલી હતી જેમાં પીએમ રીપોર્ટમાં તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ મામલે ગુનો નોંધી સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીનું પગેરું મળતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે બંને છેલ્લા 2 વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સબંધ હોવાની માહિતી આરોપીએ આપી છે. હાલ તમામ માહિતી વેરીફાઈ કરવામાં આવી રહી છે. આરોપીનો મહિલા સાથે પૈસા અને બીજી કેટલીક બાબતે ઝઘડો થયો હતો જેમાં આવેશમાં આવી મહિલાની હત્યા કરી તે ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રેમીને મળવા માટે થોડા દિવસ પહેલા જ તે મહારાષ્ટ્રથી સુરત આવી હતી.