કચ્છ: કળા કારીગરીનું હબ માનવામાં આવે છે.કચ્છની પ્રાચીન કલાઓને પણ કારીગરો ઉજાગર કરી રહ્યા છે ત્યારે કચ્છની દરેક કળાની એક વિશેષતા હોય છે. આજે આપણે વાત કરીશું મોતીકામ કળાની અને એમાં પણ ખાસ કરીને ભુજના 65 વર્ષીય કમળાબેન ગંગાજળીયા કે, જેઓ પોતે 15 વર્ષના હતા ત્યારથી આ કળા સાથે સંકળાયેલા છે અને તેઓ ખૂબ ઝીણવટભર્યું મોતીકામ કરે છે અને અવનવી વસ્તુઓ બનાવે છે. કમળાબેન આ કળા કોઈ વધુ કમાણીની આશાથી નહીં પરંતુ માત્ર પોતાના શોખ પૂરતો કરી રહ્યા છે.
15 વર્ષની ઉંમરથી કરી રહ્યા છે મોતીકામ: મૂળ રાજકોટના અને છેલ્લાં 40 વર્ષથી ભુજમાં વસતા કમળાબેન ગંગાજળીયાને નાનપણથી જ મોતીકામ અને ભરતકામની કળામાં રસ જાગ્યો હતો. આમ તો તેમના સમાજમાં નાની ઉંમરથી જ દીકરીઓને આ મોતીકામ અને ભરતકામ શીખવવામાં આવતું હોય છે અને દીકરીઓ પણ હોંશભેર આ કામ કરતી હોય છે. ત્યારે કમળાબેને 15 વર્ષની ઉંમરથી જ મોતીકામનું કામ કરવા લાગ્યા હતા અને ખૂબ જીણવટભર્યું કામ કરતા હતા અને તેમના દ્વારા બનાવવામાં આવેલ મોતીકામની વિવિધ બનાવટો અનેક લોકોનું ધ્યાન ખેંચતી હતી.
વચ્ચે 25 વર્ષ માટે ઓછું કરી નાખ્યું કામ: કમળાબેન 'બા' ના હુલામણા નામથી પણ ઓળખાય છે. આમ તો તેમણે 15 વર્ષના હતા ત્યારથી આ કળા શોખ પૂરતી જ સીમિત રાખી હતી અને આજે પણ કમાણીના ઉદ્દેશ્યથી નહીં પરંતુ પોતાના નિજાનંદ માટે અને સમય પસાર કરવા માટે કરી રહ્યા છે. જો કે વચ્ચે તેમણે લગ્નજીવન શરૂ થયા બાદ અન્ય જવાબદારીઓ હોતા 25 વર્ષ જેટલા સમયગાળા માટે આ કામ ખૂબ ઓછું કરી નાખ્યું હતું. પરંતુ છેલ્લાં 6-7 વર્ષથી ફરી શરૂ કર્યું છે અને હવે તો ઓર્ડર મુજબ પણ મોતીકામ કરી રહ્યા છે.
રંગબેરંગી મોતીની વિવિધ બનાવટો: કમળાબેન રંગબેરંગી મોતીમાંથી તોરણ, ભગવાનના વાઘા, નવરાત્રી માટે મોતીના સેટ, અવનવી રાખડીઓ, જોડલિયા, ચાકડા, ગણેશ સ્થાપના માટેની બનાવટો, કળશ વિંધોણી (સામૈયું) , લેડીઝ પર્સ, બ્લાઉઝમાં પણ મોતી કામ કરતા હોય છે. આ તમામ બનાવટોમાં એકદમ ઝીણવટપૂર્વકનું મોતીકામ કરવામાં આવતું હોય છે. આ તમામ વસ્તુઓ વિવિધ કેટેગરી મુજબની બનાવટો મુજબ બનાવવામાં 1 દિવસથી 2 મહિના સુધીનો સમય લાગી જતો હોય છે.
20 રૂપિયાથી 10000 રૂપિયા સુધીની બનાવટો: કમળાબેનને બે દીકરા છે અને તેમના બંને દીકરાઓ પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે. જ્યારે તેમના પતિ નિવૃત્ત છે. કમળાબેનના બંને દીકરા વ્યવસ્થિત કમાઈ રહ્યા છે. ત્યારે કમળાબેન માત્ર પોતાના શોખ પૂરતું જ આ મોતીકામ કરી રહ્યા છે. તેમની બનાવટોની કિંમત 20 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધીની હોય છે. વિવિધ બનાવટો દ્વારા કમળાબેન વાર્ષિક 1 લાખ જેટલી કમાણી કરી લે છે.
વિવિધ એકઝીબિશનમાંથી મળે છે ઓર્ડર: કમળાબેન જણાવે છે કે, 6 મહિના સુધી આ કામમાં કોઈ ઓર્ડર કે કોઈ અન્ય એકઝીબિશન પણ હોતા નથી. પરંતુ જૂન મહિના બાદ ઓર્ડર મળતા હોય છે. તેમજ ભગવાનના વાઘા બનાવવાનો સમય આવતો હોય છે. તો સાથે જ સરકારી એકઝીબિશનનો પણ લાભ મળતો હોય છે. આ ઉપરાંત તેમના દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વસ્તુઓના ફોટો તેમના દીકરા અને વહુઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. તો તેના પરથી પણ તેમને ઓર્ડર મળતા હોય છે.
વધુ કમાણીના આશયથી નહીં પરંતુ શોખથી કરે છે કળા: કમળાબેન ભુજના ભુજ હાટમાં દર વર્ષે લાગતા સરકારી એક્ઝિબિશનમાં ભાગ લેતા હોય છે અને લોકો ત્યાં તેમને વિવિધ વસ્તુઓ માટે ઓર્ડર આપતા હોય છે, જે મુજબ તેઓ કામ કરે છે. આ કામમાં તેમની બન્ને વહુઓનો પણ તેમને પૂરતો સાથ સહકાર તેમજ ઘરના તમામ સભ્યોનો સાથ સહકાર મળી રહ્યો છે. પરંતુ તેઓ આ કામ માત્ર શોખ ખાતર જ કરે છે. કમળાબેન આટલી મોટી ઉંમરે પણ આવું મહેનત માંગી લે તેવું કામ કરે છે, જે અંગે તેઓ જણાવે છે કે, તેમને શોખ માટે તેઓ કામ કરે છે અને તેમને જોઈને નાની ઉંમરની દીકરીઓને પણ પ્રેરણા મળે અને તેઓ પણ કોઈ કળામાં જોડાય તેવી ઇચ્છા ધરાવે છે.