સુરત: કીમ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં જિલ્લા પોલીસ દ્વારા રેલ્વેના જ ત્રણ આરોપીઓની અટક કરાયા બાદ આજે એસઓજી પોલીસે ઓલપાડ કોર્ટમાં વધુ તપાસ અર્થે ત્રણેય આરોપીને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરી હતી. કોર્ટે 6 દિવસનાં સોમવાર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે થોડા જ સમયમાં કેસ ઉકેલ્યોઃ પ્રાપ્ત માહિતી અનુસાર કીમ નજીક રેલ્વે ટ્રેક ઉપર ફિશરપ્લેટ અને પેડલ લોક કાઢી ટ્રેન ઉથલાવવાનાં નિષ્ફળ પ્રયાસ બાદ તપાસમાં ધમધમાટ વચ્ચે સુરત જિલ્લા પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં જ સમગ્ર ગંભીર ઘટનાનો ભેદ ઉકેલી દિધો હતો. પોલીસે બે દિવસ માટે રેલ્વેના હિરો બનેલા ગેંગમેન સુભાષ પોદાર સહિત ત્રણ લોકોની ગત રોજ અટક કરવામાં આવી હતી. જોકે ત્રણેય આરોપીની વધુ પુછપરછ કરવાની હોય એસઓજી પોલીસે આજે ઓલપાડ કોર્ટમાં ત્રણેયને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ શખ્સોએ એવોર્ડ મળે તે માટે આ કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું હતું.
કઈ દિશામાં પોલીસને હજુ પણ સવાલ? પોલીસે કોર્ટમાં ત્રણેય આરોપીની યોગ્ય તપાસ થાય એ માટે લાંબી કસ્ટડીની માંગ કરી હતી. પોલીસે કોર્ટને રજૂ કરેલા મુદ્દા પૈકી સમગ્ર ગંભીર ઘટનામાં ત્રણ સિવાય અન્ય કોઇની સંડોવણી છે કે કેમ, આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ છે કે કેમ, ત્રણેય આરોપીને અલગ અલગ ગુના સંબંધીત ઉંડાણ પૂર્વકની પુછપરછ જરૂરી હોય જેવા અનેક મુદ્દાઓ કોર્ટ સમક્ષ પોલીસે રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડ સામે કોર્ટ દ્વારા સોમવાર સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે આગામી દિવસોમાં રેલ્વેની મંજૂરી મળ્યા બાદ જિલ્લા પોલીસ દ્વારા રેલ્વે પોલીસને સાથે રાખીને કિમ ખાડી ઉપર બનાવની જગ્યાએ ત્રણેય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.