કચ્છ : કચ્છની રુકમાવતી નદીના કિનારે વસેલું કચ્છનું ઐતિહાસિક શહેર એટલે કે માંડવીનો આજે 444 મો સ્થાપના દિવસ છે. માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે ઇ.સ. 1580 માં કરી હતી. એક સમયે માંડવી બંદર પર 64 દેશના વાવટા ફરકતા હતા. પરંતુ આજે અહીંયા બંદર ઉદ્યોગ પડી ભાંગ્યો છે. તો ટુરિઝમ ક્ષેત્રે માંડવી શહેર છેલ્લા એક દાયકાથી વિકાસ પામી રહ્યું છે.
માંડવીનો 444 મો સ્થાપના દિવસ : માંડવી શહેર મહા વદ 11 ના દિવસે 444 મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. માંડવી શહેર તેની આગવી સંસ્કૃતિ, સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો તેમજ તેના જહાજ ઉદ્યોગ, વિવિધ પ્રવાસન સ્થળો, દાબેલી, બાંધણી, એશિયાનું પ્રથમ વિન્ડફાર્મ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. છેલ્લા 10 વર્ષમાં માંડવીના રહેણાક વિસ્તાર પણ વધ્યો છે, તો ઐતિહાસિક જૂનું કિલ્લેબંધ માંડવી શહેર આજે શહેરની ત્રણે દિશામાં વિસ્તરી રહ્યું છે.
વહાણવટા માટે પણ પ્રખ્યાત માંડવી : માંડવીનો દરિયાકિનારો કાશી વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી એટલે કે વિશ્વ પ્રસિદ્ધ દાબેલી માટે પ્રખ્યાત છે. માંડવી વહાણવટા માટે પણ પ્રખ્યાત છે. એક સમય હતો જ્યારે અહીં 64 દેશના વાવટાઓ ફરકતા હતા. માંડવીથી મુંબઈ, અરબસ્તાન અને આફ્રિકા પરિવહન માટે જૂના જમાનામાં વહાણોની તેમજ ત્યારબાદ આગબોટની સગવડ હતી. પરંતુ આજે અહીં વહાણવટાનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે. એક સમયે અહીં મોટા-મોટા જહાજોનું નિર્માણ થતું હતું.
માંડવીના જોવાલાયક સ્થળો : માંડવીમાં જોવાલાયક સ્થળોની વાત કરવામાં આવે તો બ્રિટિશ રાજ્યના જમાનાનો વિજય વિલાસ મહેલ, રાવ ખેંગારજીએ બંધાયેલ સુંદરવ વૈષ્ણવ મંદિર, શેઠ તોપોને બંધાવેલ લક્ષ્મીનારાયણ મંદિર, પ્રાચીન સ્વામિનારાયણ મંદિર, અસર માતાનું મંદિર, ધોરમનાથ મંદિર, પીર તાનાસાની કબર અને રાવલ પીરનું સ્થાનક તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા તીર્થ, મીની જહાજ બનાવવાનું કારખાનુ અહીં આવેલા છે.
પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ : કચ્છમાં અનેક પ્રવાસન સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે માંડવીમાં પણ પ્રવાસ-પર્યટન ક્ષેત્રે વિકાસની સંભાવનાઓ વધી રહી છે. માંડવીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે માંડવી તેમજ રાવળપીર બીચ ખાતે પણ લાઈટ હાઉસ જોવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત માંડવીમાં અન્ય બે સહેલાણી બીચ આપવા માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે સ્થાનિક બીચ પર સ્વચ્છતાની સમસ્યા ખૂબ સર્જાતી હોય છે.
રોડ વિસ્તરણની તાતી જરૂરિયાત : આ ઉપરાંત માંડવી શહેરને ભુજ સાથે જોડતા હાઈવે, લાયજા રોડ તેમજ સ્વામિનારાયણ મંદિર રોડ મહત્વના રોડ છે, જેના પર છેલ્લા અનેક વર્ષોથી ભારે ટ્રાફિક રહે છે. તે તમામ રસ્તાઓ બંને બાજુ 3-3 મીટર પહોળા કરવાનું કામ કેટલા વર્ષોથી બાકી છે, જે સત્વરે શરૂ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.