વડોદરા: વડોદરા શહેરમાં ભેજાબાજોએ એક દંપતીને કેનેડા મોકલવાના નામે બનાવટી જોબ ઓફર લેટર અને નોમિનેશન લેટર આપીને વેપારી પાસેથી 40.30 લાખ રૂપિયા પડાવ્યા હતા. લોકો વિદેશ જવાની લાલચે છેતરાતા હોય છે. પરંતુ લોભામણી લાલચના કારણે આવા છેતરવાના બનાવવામાં વધારો થતો જોવા મળ્યો છે.
વિદેશ જવાનું સ્વપ્નું ભારે પડ્યું: આણંદના જીલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે રહેતા ચિરાગ મહેન્દ્રકુમાર પટેલે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું વલ્લભ વિદ્યાનગર ખાતે બાકરોલ રોડ ઉપર આવેલા આર.સી. કોમ્પલેક્ષમાં ત્રીજામાળે ફિટનેસ ક્લબ નામનું જીમ ચલાવું છું. મારે વિદેશ જવાની ઈચ્છા હતી. જેથી હું વર્ષ-2022માં હું વડોદરામાં અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ કૈલાશ કોમ્પલેક્ષ FF9માં ગયો હતો. આર.એમ. ઈમીગ્રેશનના માલિક રોનક સુનીલકુમાર શાહ અને તેઓના ભાગીદાર મિતા વિમલકુમાર પાઠકને 2 ફેબ્રુઆરી-2022ના રોજ તેમની ઓફિસમાં મળ્યો હતો. તેઓને મે વિદેશ જવાની ઈચ્છા જણાવી હતી. ત્યારબાદ તેઓએ પ્રોસેસ જણાવીને મારા ભોળપણનો લાભ લીધો હતો.
ડુપ્લિકેટ જોબ લેટર: દેશમાં અલગ અલગ ક્ષેત્રે ડુપ્લિકેટનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં વિદેશનો ડુપ્લિકેટ જોબ લેટર બનાવીને છેતરપિંડીનો એક બનાવ સામે આવ્યો હતો. 4 જુલાઇ-2022ના રોજ તેમની પત્ની દિપાલીના નામનો જોબ ઓફર લેટર આપ્યો હતો. થોડા સમયમાં બાદ મારી પત્નીના નામનો નોમીનેશન લેટર પણ આવી ગયો હોવાનું જણાવ્યું હતું. અને તેઓએ કહ્યું હતું કે, આ 65 હજાર કેનેડિયન ડોલર જો રૂપિયામાં અહીંયા ચુકવશો તો અંદાજે એક ડોલરે બેરૂપિયાનું કમિશન ચુકવવાનું રહેશે. જો કેનેડામાં ડાયરેક્ટ ચુકવશો. તો ફક્ત 65 હજાર કેનેડિયન ડોલર જ ચુકવવાના રહેશે.
40 લાખથી વધારે થયો ખર્ચ: વલ્લભભાઈએ જણાવ્યું હતું કે, ઈમિગ્રેશનના સંચાલકે તેઓને એકલા જાવ છો તેના કરતા તમે ફેમિલી સાથે કેનેડામાં કાયમી વસવાટ કરો તે પ્રમાણેનું કામ કરી આપીશું. જેથી 65 હજાર કેનેડીયન ડોલર એટલે કે અંદાજે 40.30 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ત્યારબાદ તેઓએ માગ્યા મુજબના દસ્તાવેજો તેઓને આપ્યા હતા. જેથી કાર્યવાહી શરૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે નોમીનેશન લેટર આવશે. ત્યારે 65 હજાર કેનેડીયન ડોલર આપવાના રહેશે.
35 હજાર કેનેડિયન ડોલરની માંગણી: ઈમિગ્રેશનના સંચાલક કે બાકીના રૂપિયા વસૂલવા વલ્લભભાઈની જીમ ઉપર આવ્યા અને ત્યારબાદ તેઓ બાકીના 35,000 કેનેડિયન ડોલરની માંગણી કરી અને હાલમાં તેઓ પાસે સગવડ ન હોવાને કારણે સમય માગ્યો હતો. 4 ઓગસ્ટ-2022ના રોજ નોમિનેશન લેટરની કાર્યવાહી ચાલુ રાખવા સારૂ અને નોમિનેશન લેટર કેન્સલ ના થાય તે માટે રોનક શાહ અને મિત પાઠક બાકીની રકમ લેવા માટે આણંદ વિદ્યાનગર ખાતે મારા જીમ ઉપર આવ્યા હતા. તેઓએ કહ્યું હતું, કે બાકીના રૂપિયા રોકડા કરી આપો, જેથી તે પૈસા તેઓની ઉપરી ઈમિગ્રેશન કંપની યુ.સી.આઈ. ઈમિગ્રેશનના ભાગીદાર ગૌરવ પટેલને ચુકવી શકે. જેથી મેં અમારી કાર વેચીને તથા અમારી બચતના અને સબંધીઓ પાસેથી ઉછીના રૂપિયાનો બંદોબસ્ત કરી 10 લાખ રૂપિયા રોકડા રોનક શાહને મિત પાઠકની હાજરીમાં આપ્યા હતા. ત્યાર બાદ ટૂકડે-ટૂકડે કુલ 40.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
30 હજાર કેનેડિયન ડોલર રોકડા આપ્યા: 30 હજાર કેનેડિયન ડોલર રોકડા આપ્યા જેથી તેઓએ કેનેડામાં સ્થિત તેઓના ઉપરી એજન્ટ એટલે કે અમદાવાદ સ્થિત યુ.સી.આઈ.ઈમિગ્રેશન નામની કંપનીના બે ભાગીદારો કૌશલપટેલ (રહે. કેનેડા અને ગૌરવ પટેલ (રહે.અમદાવાદ) પૈકી કૌશલ પટેલને 65 હજાર કેનેડીયન ડોલર આપી દેવા જણાવ્યું હતું. અમારા એક કેનેડિયન પરિચિત નેહલ પટેલે અમારા કહેવાથી 29 જુલાઇ-2022ના રોજ આ કૌશલ પટેલને કેનેડામાં હાથોહાથ 30 હજાર કેનેડિયન ડોલર રોકડા આપ્યા હતા. જેથી કૌશલ પટેલે 30 હજાર કેનેડિયન ડોલર મળી ગયા બાબતે રોનક શાહને મેસેજ કર્યો હતો. તે મેસેજ રોનક શાહે મને ફોરવર્ડ કર્યો હતો.
બે વર્ષ માટે કેનેડા સ્ટેટ ગવર્મેન્ટે ફાઈલ પ્રતિબંધિત કરી: 13 જાન્યુઆરી, 2023ના જ મારી પત્નીનો કેનેડાનો UCI નંબર (યુનિક ક્લાઈન્ટ આઈ.ડી. નંબર) જનરેટ થયેલ હોવા અંગે રોનક શાહે જણાવ્યું હતું. ત્યાર બાદ ક્વેરી આવતા કેનેડા સ્ટેટ ગવર્મેન્ટે અમારી ફાઈલને બે વર્ષ માટે પ્રતિબંધિત કરી છે. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, આર.એમ. ઈમીગ્રેશન પાસે વિદેશ મોકલવા માટેનું ઈમિગ્રેશન કરવા માટેની કાર્યવાહીનું કાયદેસરનું લાયસન્સ નથી. તેઓએ અમને કેનેડામાં બીજે કોઈ ઠેકાણે મોકલી આપશે તેવો દિલાસો આપ્યો હતો.
૪ વ્યક્તિ સામે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ: સમગ્ર ઘટના અંગે ફરી નવો જોબ ઓફર લેટર નવો નોમિનેશના લેટર અને રોનક શાહના નામનું ઈમીગ્રેશનનુ ટ્રેનિંગ સર્ટીફીકેટ અને ICCRC (Immigration Consultants of Canada Regulatory Council)ના લાયસન્સની કોપી વ્હોટ્સએપથી રોનક શાહે મોકલી હતી. જે બાબતે કેનેડા સ્થિત મારા ઓળખીતા ઘરતીબેન પટેલને ખાતરી કરવા જણાવ્યું. જેથી તેઓએ આ બાબતે કેનેડામાં તપાસ કરતા ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે રોનક શાહ (રહે. મીરા સોસાયટી,હરણી રોડ, વડોદરા), મિત પાઠક (રહે.આદિત્યહાઇટ્સ, વાઘોડિયા રોડ, વડોદરા), ગૌરવ પટેલ(રહે.અક્ષર પ્રથમ, ગોતા, અમદાવાદ) અનેકૌશલ શાહ (હાલ રહે. કેનેડા) સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.