કચ્છ: વાગડ વિસ્તારમાં આવેલ રાપર શક્તિનગર ગેડીમાં એક કરુણ ઘટના બની છે. નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. બાળક કેનાલમાં પડ્યા બાદ તેને શોધવા પડેલા લોકો મળીને કુલ 4 મૃતદેહ મળી આવ્યા છે. પરપ્રાન્તિય મૃતકો કપાસના ખેતરમા કામ માટે આવ્યા હતા. તહેવારોના દિવસો સર્જાયેલી કરૂણ ઘટનાઓએ ભારે અરેરાટી સર્જી છે.
4 મૃતદેહ મળી આવ્યા: હજુ તો કચ્છના માંડવીમાં રવિવારે ભાઈબીજના દિવસે દરિયામાં નાહવા પડેલા પિતા-પુત્રના મોતની ઘટના તાજી છે. ત્યાં વધુ એક ઘટના બની છે જેમાં પાણીમાં ડૂબી જવાથી 4 લોકોના મોતને ભેટ્યા છે. જ્યારે આ લોકો ડૂબ્યા બાદ લાપતા બનતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. જેમાં 3 મૃતદેહ મળી આવ્યા હતા અને સવારે ચોથો મૃતદેહ મળી આવ્યો હતો.
બાળક કેનાલમાં ચપ્પલ લેવા જતા ડૂબ્યો: રાપર તાલુકાના ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં બપોરે એક બાળક કેનાલમાં ડૂબ્યો હતો. જેને બચાવવા માટે 4 લોકો પાણીમાં પડ્યા હતા. જેમાં 4 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. કેનાલમાં ચપ્પલ પડી જતાં તે લેવા ગયેલો બાળક તો જેમતેમ કરી બહાર નીકળી ગયેલો પંરતુ અન્ય તેને બચાવવા પડેલા 4 લોકો લાપતા થઇ ગયા હતા. આ નદીમાં બાળકને બચાવવા પડેલા લોકોને શોધવા માટે સ્થાનિકો દ્વારા શોધખોળ શરુ કરાઇ હતી. જે બાદ તેમના મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે.આ લોકો પરપ્રાન્તિય મજૂરો છે જે પોતાના પરિવાર સાથે કપાસના ખેતરમાં કામ કરવા માટે આવ્યા હતા.
કપાસ વીણવા આવેલા પરિવારમાં 4 ના મોત: ઘટનાની જાણ થતાં રાપર પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ શોધખોળ હાથ ધરી હતી. અન્ય સ્થાનિક લોકો પણ બચાવ માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મરણ પામનારામાં 40 વર્ષીય શેરસિંગ બાબુભાઇ, 17 વર્ષીય અનુજા કલુખાન જોગી, 21 વર્ષીય શબીર કલુખાન જોગી અને 36 વર્ષીય સબાના મોસમ જોગીના ડૂબી જવાથી મોત થયા હતા.
પોલીસ અને અધિકારીઓ દોડી આવ્યા: આ તમામ લોકો કપાસ વિણવા માટે અહીં આવેલા પરિવારનો બાળક ડૂબ્યા બાદ તેને બચાવવા જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગેની જાણ થતાં રાપર પીઆઇ જે.બી.બુબડીયા, હેડ કોન્સ્ટેબલ વણવીર ચૌધરી હેડ કોન્સ્ટેબલ મનહર ચૌધરી, પ્રકાશ ચૌધરી ધટના સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા તથા નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
અગાઉ પિતા પુત્રનું ડૂબી જતાં મોત: ભચાઉથી રાહત બચાવ માટે નિષ્ણાતની ટીમ બોલાવવામાં આવી હતી. જેથી શોધખોળ વેગવંતી બનાવી શકાય. બનાવને પગલે રાપર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. આજે સવારે ચોથા વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. હજી ગઈકાલે જ માંડવીમાં ડૂબવાથી 2 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ હતી. પોલીસે રાહત બચાવ સાથે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. જે બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: