મોરબી: મોરબી જિલ્લામાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર અલગ-અલગ બનાવ સામે આવ્યાં છે. આ મામલે મોરબી પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વિસ્તારથી જણાવીએ તો મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા 34 વર્ષીય એક યુવાને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યુો. અન્ય લોકોના પણ અપમૃત્યુ થયા છે. જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવાને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી: મોરબી-૨ ઇન્દિરાનગરમાં રહેતા 34 વર્ષીય કિશન મકવાણા નામના યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોત થયું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
ફેકટરીના લેબર ક્વાર્ટરમાં પરિણીતાનો આપઘાત: મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ 20 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ઝારખંડના વતની અને હાલ પીપળી ગામની સીમમાં આવેલ ઇટાવા ફેકટરીમાં રહીને મજુરી કરતા પીન્કીબેન ચંદ્રમોહન પીન્ગુંઆ નામની પરિણીતાએ લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલાના લગ્નને એક મહિનો થયો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
શાળામાં તબિયત લથડતા શિક્ષકનું મોત: મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શાળામાં 56 વર્ષીય શિક્ષકની તબિયત લથડી હતી અને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં શિક્ષકનું મોત થયું હતું. મોરબીના પંચાસર રોડ પર સતનામનગરમાં રહેતા છગન દાવા જે પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ સત્ય સાંઈ સ્કૂલમાં ભણાવતી વખતે અચાનક જ તેમની તબિયત લથડતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં શિક્ષકનું મોત થયું હતું. જોકે, શિક્ષકનં મોત ક્યાં કારણોસર થયું તે સ્પષ્ટ થયું નથી. મોરબી તાલુકા પોલીસે વિશેરા લઈને વધુ તપાસ ચલાવી છે તો શિક્ષકના મોતને પગલે શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત: મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ ફેકટરીમાં 36 વર્ષીય યુવાનને વીજશોક લાગતા યુવાનનું મોત થયું હતું. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જુના ઘૂટું રોડ પરની મારમોલા વિટ્રીફાઈડ કારખાનામાં ચૌધરી સાહની મહેશ્વર સાહની નામના યુવાનને કારખાનામાં કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.