ગીર સોમનાથ: નકલી ખાતર બનાવીને એજન્સીઓ મારફતે ખેડૂતોને વેચવાના કારસ્તાનનો સોમનાથ પોલીસે પર્દાફાશ કર્યો છે. સોમનાથ પોલીસે ઉના તાલુકાના તડ ગામના કિશાન એગ્રોના માલિક પરેશ લાખણોત્રાની નકલી ખાતરનું વેચાણ કરવા બદલ ધરપકડ કરી હતી. સમગ્ર મામલામાં પરેશ લાખણોત્રાની અટકાયત કર્યા બાદ નકલી ડીએપી ખાતરના તાર અમદાવાદ અને મહેસાણા સુધી જોડાયેલા જણાયા, જેને લઇને પોલીસે મહેસાણા અને અમદાવાદ તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નકલી DAP ખાતરનો વેપલો: પોલીસ પકડમાં આવેલા તડ ગામના અને કિસાન એગ્રોનો સંચાલક પરેશ લાખણોત્રાની પૂછપરછ દરમિયાન નકલી ડીએપી ખાતર જુનાગઢના મૂળજી ચાવડા પાસેથી મેળવ્યું હોવાની જણાવ્યું હતું. જેને પગલે પોલીસે જુનાગઢના મૂળજી ચાવડાની પણ અટકાયત કરીને પુછપરછ કરતા નકલી ડીએપી ખાતરના તાર મહેસાણા સાથે જોડાયેલા જણાયા. મૂળજી ચાવડા મહેસાણાની ક્રોસ્પ ફર્ટીલાઇઝર કંપનીના ડીલર તરીકે જુનાગઢમાં કામ કરતો હતો. નકલી ડીએપી ખાતર તેને કંપની દ્વારા મોકલ્યું હોવાની વિગતો પોલીસને જણાવતા પોલીસે મહેસાણા ખાતે તપાસ શરૂ કરી હતી.
મહેસાણા અને અમદાવાદના બે પકડાયા: સોમનાથ પોલીસની તપાસમાં ક્રોસ્પ ફર્ટિલાઇઝર કંપનીના ભાર્ગવ કૃષ્ણકાંત રામાનુજ નંદકિશોર બોહરાની પૂછપરછ કરતા તેમના દ્વારા આ ખાતર મોકલવામાં આવ્યું હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થતા જ પોલીસે તે બંનેની પણ અટકાયત કરી હતી. સમગ્ર મામલામાં વધુ એક આરોપી અંકુર વઘાસિયા હાલ પોલીસ પકડની બહાર છે જેને પણ પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ક્રોસ્પ ફર્ટિલાઇઝર કંપની શંકાના દાયરામાં: ક્રોસ્પ ફર્ટિલાઇઝર કંપનીને મહેસાણા નાયબ ખેતી નિયામક દ્વારા એનપીકે બાયોપોટાસ અને પ્રોમનું સ્થાનિક ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ક્રોસ્પ ફર્ટીલાઇઝર કંપની પાસે ડીએપીનું ઉત્પાદન કરવાની કોઈપણ મંજૂરી ન હતી,જેથી તેમના દ્વારા ગેરકાયદેસર ડીએપીનું ઉત્પાદન કરાતું હતું. વધુમાં મહેસાણા ખેતી નિયામક દ્વારા ક્રોસ્પ ફર્ટીલાઇઝર કંપની દ્વારા ઉત્પાદિત એન.પી.કે નું સેમ્પલ બાબરા અને માંગરોળ પંથકમાં કરવામાં આવ્યું હતું. જેમાં પણ એન.પી. કે ખાતર નિષ્ફળ જતાં ફેબ્રુઆરી 2024માં ક્રોસ્પ ફર્ટીલાઇઝર કંપનીનુ ખાતર ઉત્પાદન કરવાનું લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું
કોર્ટે આપ્યા પાંચ દિવસના રિમાન્ડ: નકલી ખાતર મામલે આરોપી પરેશ લાખણોત્રા, મૂળજી ચાવડા, ભાર્ગવ રામાનુજ અને નંદકિશોર બોહારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગ સામે 13 તારીખ સુધી એટલે કે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.