પોરબંદરઃ પાકિસ્તાન મરિન સીક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય માછીમારોને પકડી લેવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય જળ સીમા પરથી અનેક વાર માછીમારોના અપહરણ થતા હોય છે. જેમાંથી વર્ષ 2022થી પકડાયેલા 189 માછીમારોમાંથી 35 માછીમારો અને એક ભારતીય નાગરિકને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે લીધો છે.
માછીમારોમાં ખુશીની લહેરઃ વર્ષ 2022થી પકડાયેલા 189 માછીમારોમાંથી 35 માછીમારો અને એક ભારતીય નાગરિકને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે લેતા માછીમારો અને તેમના પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ઈન્ડિયા પાકિસ્તાન પીસ ફોરમ સંસ્થાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા અનેકવાર બંને દેશોની સરકારને રજૂઆતો કરવામાં આવે છે. ભારતમાં રહેલા પાકિસ્તાનનીઓની ચિંતા અમારા દ્વારા કરી તેઓને પણ મુક્ત કરવાની વાત ભારત સરકારને કરવામાં આવે છે જ્યારે પાકિસ્તાનમાં રહેલા ભારતીય માછીમારોને મુક્ત કરવા માટે પાકિસ્તાનમાં રહેલા અમારી સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો પાકિસ્તાનની સરકારને રજૂઆતો કરતા હોય છે.
153 માછીમારોને છોડાવવાના પ્રયત્નોઃ પાકિસ્તાનમાં અગાઉ ચૂંટણીનો માહોલ હતો તેથી આ નિર્ણય લેવામાં મોડું થયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે 2022માં પાકિસ્તાન દ્વારા ઝડપાયેલા 189 માછીમારોમાંથી 35 માછીમારોને પાકિસ્તાન સરકારે 30 એપ્રિલ 2024 ના રોજ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આગામી બીજી મેના રોજ 36 માછીમારો ભારત આવી જશે. બાકીના 153 માછીમારોને પણ છોડવા અંગે અમારી સંસ્થા દ્વારા પ્રયત્ન ચાલી રહ્યો છે. તેમ જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં વહેલી તકે આ માછીમારોને પણ છોડવામાં આવે તેવી સરકારને વિનંતી છે હાલ પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે તેમના પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે.