ગીર સોમનાથ : 33મી અખિલ ભારતીય વીર સાવરકર દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ અને આદરી ગામના દરિયાઈ વિસ્તારમાંથી થયું હતું. જેમાં સમગ્ર દેશમાંથી મહિલા અને પુરુષ મળીને કુલ 37 જેટલા તરવૈયાઓએ ભાગ લીધો હતો. જેમાં મહિલા અને પુરુષ વિભાગમાં ગુજરાતના તરવૈયા પ્રથમ ક્રમે આવ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા મહિલા અને પુરુષ તરવૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય તરણ સ્પર્ધા : પાછલા 33 વર્ષથી ગુજરાતના દરિયાકિનારા વિસ્તારમાં અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધાનું આયોજન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે 33મી દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, કેરળ, પશ્ચિમ બંગાળના મહિલા અને પુરુષ મળીને 37 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મહિલા અને પુરુષ વિભાગમાં અમદાવાદ અને સુરતના સ્પર્ધકો વિજેતા રહ્યા હતા.
ગુજરાતીઓએ મેદાન માર્યું : 33 મી અખિલ ભારતીય વીર સાવરકર દરિયાઈ તરણ સ્પર્ધામાં ભાઈઓ માટે 21 નોટિકલ અને બહેનો માટે 16 નોટિકલ માઈલનું અંતર નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ભાઈઓ માટે ચોરવાડ દરિયાકિનારાથી સવારના સાત કલાકે અને બહેનો માટે આદ્રીના દરિયાકિનારાથી સવારે સાડા સાત કલાકે સ્પર્ધા શરૂ થઈ હતી. ચાર કલાકની ભારે જહેમત અને થકવી નાખનાર તરણ બાદ ગુજરાતના બંને સ્પર્ધકોએ સૌથી ઓછા સમયમાં અનુક્રમે 21 અને 16 નોટિકલનું અંતર દરિયામાં તરીને પૂર્ણ કરતાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર કર્યા હતા.