સુરત: સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા 26 વર્ષીય એક કેદની મોત થતાં મામલો બિચક્યો છે. મૃતક કેદી યુવકનું નામ મહેશ ઉર્ફે ભરત વાળા હતું અને પોલીસે ગત 31 જુલાઈના રોજ બાઈક ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. ત્યારબાદ 5 ઓગસ્ટના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને તેને ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.
તબીબો મૃત જાહેર કર્યો: ભરૂચ પોલીસ સ્ટેશનમાં એક દિવસ રાખ્યા બાદ 6 ઓગસ્ટના રોજ તેને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જોકે, 7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે મહેશની તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તપાસીને મહેશને મૃત જાહેર કર્યો હતો.
પરિવારજનનો આરોપ: આ અંગે મૃતક મહેશના સાળા સુરેશ વણઝારાએ જણાવ્યું હતું કે, ગતરોજ 10 વાગ્યે મહેશને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પરિવારને જાણ કરવામાં આવી ન હતી. મહેશના મોત બાદ પરિવારને મોડી જાણ કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે, મહેશના મોત અંગે સાંજે સાત વાગ્યે જાણ કરવામાં આવી હતી. જ્યારે તેનું મોત સવારે થઈ ગયું હોવા છતાં પણ પરિવારને કોઈ જાણ કરી ન હતી. સાત વાગ્યે પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા, છતાં પોલીસમાંથી કોઈ પણ હાજર ન હતું. રાત્રે બે વાગ્યા સુધી પરિવારજનો અહીં બેઠા હતા, પણ કોઈ પોલીસ આવી ન હતી. આ સાથે જ પરિવારજનોને મૃતદેહ પણ જોવા દેવામાં આવ્યો ન હતો. પરિવારે ભરૂચ પોલીસ પર આક્ષેપ કર્યા છે. તેમજ પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરી છે. અને જવાબદાર પોલીસકર્મીઓ સામે તપાસ થવી જોઈએ અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
મૃતક સામે ચોરીનો ગુનાઓ નોંધાયેલા: મહત્વપૂર્ણ છે કે, મૃતક સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો અને તેના પરિવારમાં પત્ની અને એક દીકરો તેમજ એક દીકરી છે. મહેશ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. આ સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉત્રાણ, ચોકબજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.