નવસારીઃ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ ઐતિહાસિક ઘડીની સાક્ષીમાં દેશવાસીઓ જુદા જુદા સ્વરૂપે ભગવાન રામ પ્રત્યે શ્રદ્ધા દર્શાવી રહ્યાં છે. ખાસ કરીને કલાકારો પોતાની કળા પ્રભુ શ્રી રામને સમર્પિત કરી રહ્યા છે. જેમાં નવસારીના ટેટૂ આર્ટિસ્ટે પણ પોતાની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવા અનોખો માર્ગ અપનાવ્યો છે. આ ટેટૂ આર્ટિસ્ટે કુલ 1108 રામનામના ટેટૂ ફ્રી દોરવાનો કર્યો સંકલ્પ કર્યો છે.
1000થી વધુ ફ્રી ટેટૂ દોરવામાં આવ્યાઃ નવસારીના ટેટૂ આર્ટિસ્ટ જય સોનીએ તા.26 ડિસેમ્બરથી લઈને તા.22 જાન્યુઆરી સુધી કુલ 1108 રામનામનું ટેટૂ ફ્રી દોરવાનો સંકલ્પ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે અને લાભ લઈ રહ્યા છે. અન્ય જિલ્લાઓમાંથી પણ ટેટૂ દોરાવા માટે લોકો આવી રહ્યા છે. આ ટેટૂ દોઢથી 3 ઈંચ સુધી દોરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 વધુ લોકો આ ટેટૂ દોરાવી ચૂક્યા છે. મોરારીબાપુની કથાની વ્યાસપીઠ પર જે પ્રમાણે રામ લખવામાં આવ્યું છે તે જ રીતનું ટેટૂ અહીં દોરવામાં આવી રહ્યું છે.
22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેમાં હું પણ સહભાગી થઈ શકું તે માટે મેં 1108 રામનામના ફ્રી ટેટૂ દોરવાનો સંકલ્પ કર્યો છે. રામ સેતુમાં જેમ ખીસકોલીએ નાનું પ્રદાન કર્યુ હતું તે જ રીતે મારુ પણ આ પ્રદાન છે...જય સોની(ટેટૂ આર્ટિસ્ટ, નવસારી)
ટેટૂ આર્ટિસ્ટ જય સોની દ્વારા ફ્રીમાં રામનામનું ટેટૂ દોરી આપવામાં આવે છે તે તેમની ભક્તિનું પ્રમાણ છે. જે ખૂબ સરાહનીય છે. હું સુરતથી ખાસ આ ટેટૂ માટે આવી છું. મેં મારા બંને હાથ પર ટેટૂ દોરાવ્યું છે... શ્વેતા(ટેટૂ દોરાવનાર, સુરત)