કચ્છ: પૂર્વ કચ્છના ભચાઉના વોન્ટેડ બુટલેગર સાથે મહિલા પોલીસ કર્મચારી થાર ગાડીમાં દારૂની બોટલો સાથે ઝડપાઈ હતી. જે કેસમાં આજે બન્ને આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી અને બુટલેગરના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
દિવસના રિમાન્ડની માંગણી સામે 2 દિવસના મંજૂર: પૂર્વ કચ્છના કુખ્યાત બુટલેગર યુવરાજ જાડેજા અને મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરીએ પોલીસ પર થાર ગાડી ચડાવી હુમલો કર્યો હતો, ત્યારબાદ થારની તપાસ કરાતા અંગ્રેજી શરાબ-બીયરનો જથ્થો પકડાયો અને આ ઘટના રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ ગુનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આજે એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ દિપક ડાભીની કોર્ટમાં રજૂ કરી પોલીસે 7 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી.
થારમાંથી 18 જેટલી દારૂની બોટલો મળી હતી: પોલીસે તરફી એવી દલીલો કરવામાં આવી હતી કે દારૂ સાથે પકડાયેલી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી કાયદાની જાણકાર છે છતાં તે વોન્ટેડ બૂટલેગર સાથે થારમાં દારૂ સાથે ઝડપાઈ છે. ગાડીમાંથી મળેલી દારૂની બોટલો પર 'ફોર સેલ ઈન ગુજરાત ઓન્લી’ તથા ‘ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી’ પ્રિન્ટ થયેલું છે. આ ઉપરાંત પ્રાથમિક પૂછપરછ દરમિયાન નીતાએ કબૂલાત કરી હતી કે તે રાજસ્થાનથી દારૂ લઈ આવી હતી.
6 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર: રિમાન્ડ દરમિયાન તપાસ માટે આરોપીને રાજસ્થાન પણ લઈ જઈ શકાય છે. તો બૂટલેગર યુવરાજ ખરેખર તેને ક્યાં મળ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે. ભચાઉ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બન્ને આરોપીના 6 જૂલાઈની સાંજ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આરોપીઓના ચહેરા પર કાયદાનો કોઈ ડર નહીં: ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં આજે રીમાન્ડ મંજુર થયા બાદ કોર્ટમાંથી બહાર નિકળતા બન્ને આરોપીઓ બિન્દાસ્ત દેખાયા હતા. પોલીસ કર્મચારી નીતા ચૌધરી બિન્દાસ્ત નિકળી હતી તો બુટલેગર પણ નિર્ભય દેખાતો હોય તેવી રીતે કેમેરામા કેદ થયો હતો. સામાન્ય રીતે લોકોના ચહેરા પર દેખાતો કાયદાનો ડર આ બન્નેના ચહેરા પણ ક્યાક જોવા મળ્યો ન હતો.