કચ્છ: જિલ્લાના મુન્દ્રાના સુખપર વાસમાં રહેતા 2 બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. સવારે ગુમ થયેલા બન્ને બાળકોના મૃતદેહ સુખપર વાસની પાછળ આવેલ ભૂખી નદીના પાણી ભરેલા ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા. બાળકોની પ્રાથમિક તપાસમાં ડૂબી જતા બન્ને મૃત્યુ પામ્યા હોવાનુ સામે આવ્યુ હતું. બાળકોના મૃત્યુની ધટનાએ મુન્દ્રા પંથકમાં ભારે ચકચાર સર્જી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘરેથી નીકળ્યાં બાદ લાપતા થયા બાળકો: મળતી પ્રાથમિક વિગતો મુજબ 13 વર્ષીય તારીક અનવર સોતા અને 11 વર્ષીય રઝાક ઇબ્રાહિમ જુણેજા સોમવારે બપોરે પોતાના ઘેરથી નીકળી ગયા હતા. બાદમાં રાત્રિ સુધી પરત ન આવતા સુખપર વાસના લોકો અને પરિવારજનોએ બન્ને બાળકોને શોધી રહ્યા હતા.સુખપર વાસના સલીમ પટેલે જણાવ્યું હતું કે, આ બંન્ને બાળકો ગુમ થયા બાદ આ વિસ્તારના તમામ આગેવાનો અલગ-અલગ વિસ્તારોમાં બાળકોને શોધવા નીકળ્યા હતા.
પાણીથી ભરાયેલા ખાડામાં બાળકોના મોત: જ્યારે વહેલી સવારે સુખપર વાસની પાછળ આવેલ ભૂખી નદીના વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં એક બાળકની તરતી લાશ જોવા મળી હતી. ત્યારે બીજા બાળકને શોધવા માટે તરવૈયાએ પ્રયત્ન હાથ ધર્યા હતા અને બીજા બાળકના મૃતદેહને પણ શોધી બહાર કાઢવામાં આવ્યો હતો.
માતા પિતાનો એકનો એક દીકરો: મૃત બાળક તારીક 13 વર્ષનો હતો અને ધોરણ 8માં અભ્યાસ કરતો હતો અને મા બાપનો એકનો એક દીકરો હતો. જ્યારે બીજો રઝાક જુણેજા 11 વર્ષનો હતો અને તે ધોરણ 1 માં અભ્યાસ કરતો હતો. શોધખોળ દરમ્યાન સુખપરવાસની પાછળ ડૂબેલા બાળકોના મૃતદેહ અબ્દુલ સમેજા નામના યુવાનને મળી આવ્યા બાદ અગ્રણીઓને જાણ કરાતા મૃતદેહ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો એકઠા થયા હતા અને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી: સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બંને બાળકો જે વરસાદી ખાડામાં ડૂબ્યા છે. ત્યાં રેતી ચોરી કરીને મસમોટા ખાડા ખોદવામાં આવ્યા છે. જો આ વિસ્તારમાં રેતી ચોરી બંધ નહીં થાય તો આંદોલન કરીને વિરોધ કરવામાં આવશે. સમગ્ર બનાવ સંદર્ભે મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં થોડાક કેટલાક સમયથી કચ્છના વિવિધ વિસ્તારોમાં ડૂબવાના બનાવો વધ્યા છે. ત્યારે વહીવટી તંત્રએ પણ પાણી ભરેલી જોખમી જગ્યાએ જવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પણ જાહેર કર્યું છે. ત્યારે આવી જગ્યાઓ પર બાળકો રમવા ન જાય તે માટે વાલીઓ પણ જાગૃત બને તે જરૂરી બન્યું છે.