વડોદરા : વિવાદોના વમળમાં રહેતી પારુલ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. BCA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. હાલ પંથકમાં ચાલતી ચર્ચા મુજબ પારુલ યુનિવર્સિટીમાં બનતી કોઈ પણ ઘટનાને બહાર પાડવામાં કે કાયદાકીય પગલાં લેવામાં વાર લાગે છે.
19 વર્ષીય વિદ્યાર્થી : સમગ્ર ઘટનામાં આ વિદ્યાર્થી છેલ્લા બે દિવસથી વધુ પડતો ચિંતિત હોવાનું બહાર આવ્યું છે. મૂળ રાજસ્થાનનો 19 વર્ષીય વિદ્યાર્થી અનિલ કેવલરામ પટેલ પારૂલ યુનિવર્સિટીમાં BCA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લા 8 મહિનાથી અટલ ભવન બી હોસ્ટેલમાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા 2 દિવસથી મૃતક ચિંતિત રહેતો હતો અને તેના મિત્રોએ તેને આ અંગે પૂછતાં તેણે કંઈ પણ કહ્યું નહોતું.
વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તેને કયા કારણોસર આપઘાત કર્યો એ અંગે તપાસ શરૂ કરી છે. -- પોલીસ અધિકારી (વાઘોડિયા પોલીસ સ્ટેશન)
ચિંતિત રહેતો હતો મૃતક : મૃતક ગત રાત્રે 3 વાગ્યા સુધી જાગતો હતો અને બેચેન જણાતો હતો. જેથી તેના મિત્રોએ શું ટેન્શન છે, એમ પૂછ્યું હતું. પરંતુ મૃતક વિદ્યાર્થીએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેના મિત્રો સુઈ ગયા હતા. વહેલી સવારે 4.40 વાગ્યે અનિલ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદી ગયો હતો અને તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું.
પોલીસ કાર્યવાહી : સમગ્ર ઘટના બનતા વિધાર્થીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતક વિધાર્થીના મૃતદેહ પર કબજો મેળવ્યો હતો. મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આત્મહત્યાનું કારણ અકબંધ : આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસેથી વિદ્યાર્થીના ચપ્પલ મળી આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં અમદાવાદમાં રહેતા મૃતકના સગા-સંબંધીઓ દોડી આવ્યાં હતાં. આ ઉપરાંત મૃતકના માસીનો છોકરો પણ પારુલ યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરે છે.