અમદાવાદ: ઠંડી બાદ અચાનક શરૂ થયેલી ગરમી તેમજ છેલ્લા કેટલાક દિવસથી શહેરના મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 15 ડિગ્રીના તફાવત ઉપરાંત ફ્લૂનો વાઈરસ હઠીલો બનતાં શહેરની બાળકોની હોસ્પિટલોમાં શરદી, હઠીલી ખાંસી અને તાવના રોજના સરેરાશ 6 હજાર કેસ આવે છે. ફલૂના 173 કેસ નોંધાયા છે. ગત માર્ચમાં સ્વાઈન ફલૂના 100 કેસ નોંધાયા હતા. સ્વાઈન ફલૂમાં પણ લોકોને શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, સ્વાઈન ફલૂને હવે સિઝનલ ફલૂ તરીકે ગણવામાં આવે છે.
'વાઈરલ ઈન્ફેક્શન માટે જવાબદાર શ્વસનતંત્રના વાઈરસની તીવ્રતા વધી હોવાથી બાળકોમાં શરદી, ખાંસી, તાવના સૌથી વધુ કેસ જોવા મળે છે. સામાન્યપણે 5-6 દિવસમાં મટી જતી ખાંસી, શરદી, વાઈરસની તીવ્રતા વધવાથી 12થી 15 દિવસ ચાલે છે. આ ઉપરાંત મોડી સાંજથી સવાર સુધી ઠંડું વાતાવરણ અને દિવસભર આકરી ગરમીને લીધે સર્જાતું બેવડું વાતાવરણ બાળકો સહન કરી શકતા નથી. વાઈરલ ઈન્ફેક્શનથી થતાં ગાલપચોળિયાના પણ કેટલાક કેસ આવ્યા છે.' - ભાવિન સોલંકી, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ
ડોક્ટર ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, સરકાર અગાઉ એમએમઆર (મમ્સ, મિઝલ્સ અને રુબેલા) ની રસી આપતી હતી. આ કારણે ગાલપચોળિયાના કેસ ઘટી ગયા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી માત્ર એમઆર (મિઝલ્સ અને રુબેલા)ની રસી અપાય છે. ગાલપચોળિયાની અસર અઠવાડિયું રહેતી હોય છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેડેન્ટ રાકેશ જોશીના જણાવ્યા અનુસાર સિઝનમાં પરિવર્તન ઉપરાંત લાંબો સમય સુધી ઠંડી રહેતાં સ્વાઈન ફલૂના કેસ વધ્યા છે. સ્વાઈન ફલૂના વધતા જતા કેસ વચ્ચે રાહતની વાત એ છે કે, હવે સ્વાઈન ફલૂના મોટાભાગના દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તેવી સ્થિતિ રહી નથી. સામાન્ય દવાથી પણ આ બીમારીમાંથી સાજા થઈ શકાય છે.
માસ્ક પહેરવાની સલાહ: ડોક્ટરો સ્વાઈન ફલૂનો ફેલાવો અટકાવવા અસરગ્રસ્ત દર્દીને ઘરમાં જ રહેવાની અને શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરી રાખવાની સલાહ આપે છે. જેથી વાઈરસનો ચેપ એકથી બીજી વ્યક્તિમાં ફેલાતો અટકાવી શકાય. સિવિલમાં સ્વાઈન ફ્લૂના 5 અને કોરોનાના 2 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઈન ફલૂનો ચેપ ધરાવતાં 2 દર્દીને વેન્ટિલેટર અને બાયપેપ પર રાખવા પડ્યા છે. કેસમાં વધારો થતાં મ્યુનિ. આરોગ્ય વિભાગે તેને અટકાવવા માટે વિશેષ પગલાં લેવા ઉપરાંત લોક જાગૃતિ માટેના પણ પ્રયાસો કર્યા છે.