ખેડા: જીલ્લાના મુખ્ય મથક નડીયાદ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી થનાર છે. જેને લઈ આજે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નડીયાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાને હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખ દિનશા પટેલ અને ટ્રસ્ટીઓએ મુખ્યપ્રધાનને આશ્રમ ખાતે આવકાર્યા હતા.
સરદાર પટેલને વંદન કર્યા: મુખ્યપ્રધાને હિંદુ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. મુખ્યપ્રધાને ભવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. મુખ્યપ્રધાને હિન્દુ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો સાથે આશ્રમના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો. આશ્રમના સૌથી નાના બાળક દ્વારા મુખ્યપ્રધાનનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને બાળકનું અભિવાદન કર્યું હતું. મુખ્યપ્રધાને આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું.
78માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે.તેમણે જણાવ્યુ છે કે, આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવ વંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે. આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્ર વીરોનું ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 'વડાપ્રધાને વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે, આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.'