ભાવનગર: પવિત્ર શ્રાવણ માસમાં ભાવનગરના આંગણે શિવલિંગ આકારનું બનેલું દ્વાદશ જ્યોતિલિંગ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. ભાવનગર વાસીઓને 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા એક જ સ્થળે કરવાનો અવસર મળી રહે છે. દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના 37 વર્ષ પહેલા કરવામાં આવી હતી. ભાવનગરના સાઈબાબાના મંદિરના પટાંગણમાં શિવાલય આકારનું બિલ્ડીંગ બનાવીને તેમાં દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના કરાય હતી. દ્વાદશ જ્યોતિર્લિંગ ભક્તોના આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
શિવલિંગ આકારનું દ્વાદશ જ્યોતિલિંગ મંદિર: ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલા સાંઈબાબાના મંદિરમાં શિવલિંગ આકારનું દ્વાદશ જ્યોતિલિંગ શિવાલયની સ્થાપના કરવામાં આવેલી છે. 37 વર્ષ પહેલાં તૈયાર થયેલું શિવાલય લોકોના અસ્થાનું કેન્દ્ર છે. અહીં રોજ આવતા શિવ ભક્ત મનીષભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આપણા બધા કાર્ય ભગવાને પૂરા કરેલા છે. છેલ્લા બે વર્ષથી ભગવાનને જળનો લોટો ચડાવવા આવું છું, પહેલા માત્ર ગુરવારે આવતો હતો અને અહીંયા બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે. મારા ઘણા કાર્ય એવા છે જે હું કહી ના શકું તેવા કાર્ય ભગવાન ભોળાનાથે પૂરા કર્યા છે.
શિવલિંગની વિશેષતા: મંદિરના પૂજારી ગોસ્વામી મુકેશગીરી અમૃતગીરીએ જણાવ્યું હતું કે અહીંયા જે દ્વાદશ જ્યોતિર્લિંગ મહાદેવજીનું મંદિર છે, જે અહીંયા મેઘાણી સર્કલ ભાવનગર સાઈબાબા મંદિરના પટાંગણમાં આવેલુ છે. આ મંદિરને 37 વર્ષ જેવું થઈ ગયેલ છે અને અહીંયા ખૂબ જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પૂજાનો લાભ લે છે.
અહીંયા કોઈપણ ભેદભાવ વગર દરેક ભક્તોને અંદર આવીને મહાદેવજીની પૂજા કરવાનો અધિકાર છે, બધાને છૂટ છે કોઈપણ વ્યક્તિ અંદર આવીને દૂધનો અભિષેક કરી શકે છે. જળાભિષેક કરી શકે છે, પૂજા કરી શકે છે. અહીંયા પૂજા થાય છે અને રુદ્રાભિષેક, રુદ્રી અને દીપમાળા પણ અહીંયા થાય છે.
ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગની આબેહૂબ સ્થાપના: પૂજારી મુકેશગીરીએ વધુમાં જણાવ્યું હતું કે અહીંયા જે દ્વાદશ જ્યોતિર્લિંગ મહાદેવ આખા ભારતભરમાં આવેલા છે એની હુબહુ તેવી જ પ્રતિમા જળવાઈ રહે એવી રીતના બધા શિવલિંગો સ્થાપિત કરાયેલ છે અને તેમનો ઉપદેશ એવો છે કે ત્યાં જે પૂજા કરી શકે એવી જ રીતના શિવલિંગ અહીંયા સ્થાપિત કરેલા છે, એવી જ રીતે શિવલિંગ બનાવેલા છે અને દરેક શિવલિંગમાં દ્વાદશ જ્યોતિર્લિંગની હુબહુ પ્રતિમા પ્રમાણે મૂકવામાં આવ્યા છે.