જુનાગઢ: જિલ્લામાં ત્રણ ઓગસ્ટના રોજ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ થયો હતો. જેમાં રાજુ દેવ સંજય સોલંકી અને યોગેશ બગડા નામના ચાર આરોપીને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ સિવાય પાંચમાં આરોપી તરીકે જવા સોલંકીની રાજકોટ જેલમાંથી કબજો મેળવીને તપાસ કરતા તેની પાસેથી શંકાસ્પદ 116 જેટલા દસ્તાવેજો તપાસનીશ અધિકારીને મળ્યા છે. હાલ સમગ્ર મામલામાં પોલીસ પકડમાં રહેલા જવા સોલંકીની પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજસીટોક અંતર્ગત જવા સોલંકીની અટકાયત: ગત ત્રીજી ઓગસ્ટના દિવસે જુનાગઢ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મેઘમાયા નગરમાં રહેતા અને ગેંગ બનાવીને ગુનાને અંજામ આપતા રાજુ, સંજય અને દેવ સોલંકીની સાથે યોગેશ બગડાની ગુજસીટોક અંતર્ગત અટકાયત કરી હતી. આ મામલામાં અન્ય એક ગુનામાં રાજકોટ જેલમાં રહેલા અને ગેંગના સભ્ય જવા સોલંકીની જૂનાગઢ પોલીસે કોર્ટના ટ્રાન્સફર વોરંટ બાદ અટકાયત કરીને રાજકોટ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા જુનાગઢ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. જેમાં પોલીસને આરોપી જવા સોલંકીના કબજા વાળા મકાનમાંથી 116 કરતા વધુ શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. જેને કબજે કરીને જૂનાગઢ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજસીટોક અંતર્ગત પોલીસે શરૂ કરી તપાસ: ગુજસીટોક અંતર્ગત જુનાગઢ પોલીસે જવા સોલંકી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય દંડ સંહિતાની ધારા 307/397/ 323/ 114 અને જીપી એક્ટ 135 અંતર્ગત કેટલા ગુનાઓ ભુતકાળમાં રજીસ્ટર થયા હતા, તે મુજબ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આજે આરોપી જવા સોલંકીને સાથે રાખીને તેના કબજે કરેલા મકાનમાં તપાસ ચાલુ કરી હતી. જેમાં અહીંથી પોલીસને પ્રોમીસરી નોટ, વેચાણ દસ્તાવેજ, ઈમેલ દસ્તાવેજ, વાહન વેચાણ દસ્તાવેજ, સહી કરેલા કોરા ચેક, વાહનની આર.સી બુક, સ્ટેમ્પ પેપર, ચેકબુકો, વેરા પહોંચ, બેંક પાસબુક, આધાર કાર્ડ, બેંકમાં નાણા જમા સ્લીપો, રાશનકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ મળી આવ્યા છે.
જવા સોલંકી ઉપર અલગ અલગ પ્રકારના નવ ગુનાઓ પણ ભુતકાળમાં રજીસ્ટર થયા છે. જેને કારણે આરોપીની પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ તપાસ જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વધુમાં જુનાગઢ પોલીસે જાહેર જનતાને અપીલ પણ કરી છે કે ઉપરોક્ત ગેંગના કોઈપણ સભ્યો દ્વારા કોઈપણ વ્યક્તિને હેરાન કે ધાક ધમકી કે અન્ય કોઈપણ પ્રકારે નુકસાન કરવામાં આવ્યું હોય તો પોલીસને માહિતી આપવાની વિનંતી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.