સુરત: પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કામરેજના કોસમાડા ગામની સીમમાં સમીરભાઈ પટેલના ગોડાઉનમાં મહેન્દ્ર ચારણ સાગરીતો સાથે મળી હાઈવે પર લોખંડના સળિયાનો જથ્થો ભરીને પસાર થતા ટ્રેલરોના ડ્રાઇવરો સાથે મળી ટ્રેલરોમાંથી લોખંડના સળિયાઓની ચોરી કરે છે અને હાલ ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. હરકતમાં આવેલા એલસીબી પીઆઈ આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એલ.જી.રાઠોડ પોલીસે ટીમ સાથે બાતમીવાળા સ્થળ ઉપર જઇ છાપો મારી 62.54 લાખની કિંમતના 1,09,935 કિલો સળિયા, 35 લાખ કિંમતના બે ટાટા ટ્રેલર, 70 હજારના બે મોબાઇલ, 20,850 રોકડા મળી પોલીસે કુલ 98,44,887 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સળીયા ચોરી કરવાનુ નેટવર્ક: ડીવાયએસપી આઇ જે પટેલ એ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા લોકલ એલસીબીને નેશનલ હાઈવે પર બનતા મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા સુચના આપી હતી. દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી કે કામરેજ તાલુકાના કોસમાડા રીંગરોડ પર આવેલ ગોડાઉનમાં મહેન્દ્ર ચારણ તેના સાગરીતો સાથે મળીને હાઈવે પર પસાર થતા લોખંડના ટ્રેલરોમાંથી સળીયા ચોરી કરવાનુ નેટવર્ક ચલાવે છે. બાતમીના આધારે રેડ કરતા સ્થળ ઉપરથી 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં 407,379,120B 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ એલસીબીએ હાથ ધરી છે.
જાણો કોણ કોણ છે આરોપી: પોલીસે (1) ટ્રેલર ચાલક જસરાજ નીંબારામજી જાટ (રહે. ઘોરીમના જી. બાડમેર, રાજસ્થાન), (2) ટ્રેલરનો ચાલક તગારામ લુનારામ ચૌધરી (રહે.સનાવડા, જિ. બાડમેર (રાજસ્થાન), (3) કૈલાશ હેમારામ જાટ (રહે. કોસમાડા ગામ, તા. કામરેજ), (4) ક્રિષ્નારામ ચુનારામ જાટ (રહે. કોસમાડા ગામ, તા. કામરેજ), (5) સુધીર કનુ ગોંડલિયા, (6) કુલદીપ કાળુ નસીત, (7) કેસુલાલ રામા ખાનીયા મીણા, (8) માનીયાલાલ મેઘરાજજી મીણા, (9)ભેરૂ થાવરા મીણા, (10) પ્રતાપ ભગા મીણા (તમામ છ શખ્સો રહે. વાલક પાટિયા સુરત), (11) જયદેવ ગણપત ગોંડલીયા (પુણા ગામ, સુરત)ની પોલીસે અટક કરી છે. મહેન્દ્ર ભંવરદાન ચારણ (રહે. સામખીયારી, તા. ભચાઉ જિ. કચ્છ)ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.