કચ્છઃ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે 7મી મેના મતદાન થવાનું છે, જેને લઇને રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર વેગવાન બનાવ્યો છે. ત્યારે કચ્છ-મોરબી બેઠક માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં ફોર્મ ભરાયા છે. કચ્છ લોકસભા બેઠક માટે 22 વ્યક્તિ 52 ફોર્મ લઇ ગઇ છે. નામાંકનપત્રો ભરનારા દાવેદારોની સંખ્યા ડમી સહિત 16એ પહોંચી છે.
11 ઉમેદવારોએ ઝંપલાવ્યું: લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે, અને રજાના દિવસોમાં પણ અધિકારી, કર્મચારીઓ કચેરીઓમાં હાજર રહીને મોડે સુધી કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક પર કુલ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હતી ત્યારે કચ્છ-મોરબી બેઠક માટે કુલ 11 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
ક્યાં પક્ષના કયાં ઉમેદવાર: નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ ઈટીવી સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ પૈકી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિતેશ લાલણ, અપક્ષ મહિલા ઉમેદવાર તરીકે હીરાબેન દલપતભાઈ વણઝારા, સર્વ સમાજ જનતા પાર્ટીમાંથી દુધઇ (ઇન્દ્રપ્રસ્થ)ના ભીમજી ભીખા બોચિયા, જયારે અપક્ષ ઉમેદવાર તરીકે ભુજના જયનગરમાં રહેતા બાબુલાલ લધા ચાવડા, ગુજરાત સર્વ સમાજ પાર્ટીમાંથી અંજાર તાલુકાના મેઘપર (બોરિચી)ના અરવિંદ અશોક સાંઘેલા, રાઇટ ટુ રિકોલ પાર્ટીમાંથી ભુજ તાલુકાના માનકુવાના રામજી જખુભાઇ દાફડા, રાષ્ટ્રીય પાવર પાર્ટીમાંથી રાપર તાલુકાના ચિત્રોડના દેવાભાઇ મીઠાભાઇ ગોહિલે તથા બહુજન સમાજ પાર્ટીમાંથી બછરા વિજયભાઈ વાલજીભાઈ, અપક્ષ મહિલા ઉમેદવાર તરીકે કવિતાબેન મચ્છોયા અને હિંદવી સ્વરાજ્ય દળના વીરજી શામળિયાએ ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી છે.
11 જેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારીઃ ઉલ્લેખનીય છે કે, આજે અંતિમ દિવસ સુધીમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, સર્વ સમાજ જનતા પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, રાઇટ ટુ રિકોલ પાર્ટી અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 11 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. વધુમાં ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારો સહિત અત્યાર સુધી 16 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે.તો જોવું એ રહ્યું કે 22મી તારીખ સુધીમાં આ દાવેદારો પૈકી કેટલા દાવેદારો પોતાના ફોર્મ પરત ખેંચે છે.જો કે 7મી મેના આ તમામ ઉમેદવારો માટે મતદારો મતદાન કરશે અને ચૂંટણીનો જંગ જામશે.