ભાવનગર: ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાનું ગેરેજ વિભાગ આવેલું છે. ગેરેજ વિભાગ માત્ર બે લોકોથી ચાલી રહ્યું છે. એક સમયે બસ ગેરેજમાં શહેરમાં ચાલતી સીટી બસ અને મહાનગરપાલિકાના વાહનોનું રીપેરીંગ કામ થતું હતું. પરંતુ છેલ્લા એક દસકાથી વધુ સમયથી ગેરેજ વિભાગ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. જો કે ગેરેજ વિભાગ હસ્તકના વાહનોની મરામત સહિતનો ખર્ચ પણ જાણો શું છે.
વર્ષોથી બે લોકોના સથવારે ચાલતું ગેરેજ વિભાગ: ભાવનગર મહાનગરપાલિકામાં ડ્રેનેજ, વોટર, સોલીડવેસ્ટ અને આયોજન વગેરે જેવા વિભાગની સાથે ગેરેજ વિભાગ પણ છે. ભાવનગર શહેરમાં પહેલા સીટી બસ ચાલતી હતી. જેનું સંચાલન મહાનગરપાલિકાના ગેરેજ વિભાગ દ્વારા થતું હતું, ત્યારે આ સીટી બસની મરામત પણ ગેરેજ વિભાગમાં થતી હતી. આ ગેરેજ વિભાગમાં હાલ કોઈ મરામતનું કામ એક પણ વાહનનું થતું નથી. ગેરેજ વિભાગ માત્ર બે લોકોના સથવારે ચાલી રહ્યું છે. ગેરેજ વિભાગમાં કોઈ મરામત કામ પણ કરવામાં આવતું નથી ત્યારે ગેરેજ વિભાગની જગ્યા ભંગાર બનેલા અને બંધ થયેલા વાહનોના પાર્કિંગ જેવી બની ગઈ છે.
પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મિકેનિકલ સ્ટાફ નિવૃત્ત થયા બાદ કોઈ નવા મિકેનિકલ સ્ટાફ નથી. હાલમાં નવા વાહનોનું મરામતનું કામ કે જે તે કંપનીના વાહનો હોઈ તેના સર્વિસન સ્ટેશનમાં થઈ જાય છે, ત્યારે બેલેન્સ અને સોલિડ વેસ્ટ જેવા અન્ય વિભાગોના વાહનોનો ખર્ચ પણ તે વિભાગ જાતે કરે છે.
એક વર્ષમાં વાહનોનો ખર્ચ કેટલો: ભાવનગર મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં મરામતની કામગીરી થતી નથી. પરંતુ મહાનગરપાલિકાના 119 જેટલા વાહનો છે, જેનું રીપેરીંગ અને ઇંધણ ખર્ચ ગેરેજ વિભાગ થકી થાય છે. ત્યારે ગેરેજ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ 2023-24માં વાહન રીપેરીંગનો ખર્ચ 5,49,552 જ્યારે પેટ્રોલ ડીઝલનો ખર્ચ 1 કરોડ 17 લાખ 26 હજાર 71 થયો છે. જ્યારે 2024 એપ્રિલથી વાહન રીપેરીંગનો ખર્ચ 48,975 અને પેટ્રોલ ડીઝલનો ખર્ચ 25,53,830 થવા પામ્યો છે.
જો કે ગેરેજ વિભાગ પાસે 119 વાહનમાંથી 32 જેટલા વાહનોને 15 વર્ષ પૂર્ણ થતા સ્ક્રેપમાં ધકેલવાની તૈયારી થઈ ચૂકી છે. આમ ગેરેજ વિભાગ પાસે હવે માત્ર 95 વાહનો રહેવાના છે. જો કે અન્ય વિભાગોના વાહનોનો આ પ્રકારનો ખર્ચ જે તે વિભાગ પોતાના બજેટમાંથી કરે છે. ઉપરોક્ત વાહનોનો ખર્ચ માત્ર ગેરેજ વિભાગ હસ્તકના વાહનો પૂરતો છે. જ્યારે અન્ય વિભાગના વાહનોનો ખર્ચ ઉમેરવામાં આવે તો આંકડો વધી જાય તે સ્પષ્ટ છે.