નવી દિલ્હી : ભારતીય ટીમ ગુરુવારથી રાજકોટમાં ઈંગ્લેન્ડ સાથે ત્રીજી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. તે પહેલા બુધવારે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા હવે રાજકોટના જૂના સ્ટેડિયમમાં નવા નામ સાથે રમતી જોવા મળશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ હતાં.
રાહુલ દ્રવિડ ભારતના મુખ્ય કોચ : BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી કે આ વર્ષે જૂનમાં આગામી T20 વર્લ્ડ કપ 2024માં રાહુલ દ્રવિડ ભારતના મુખ્ય કોચ તરીકે ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. ODI વર્લ્ડ કપ ફાઈનલ પછી દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો હતો.
વિરાટ કોહલીના રમવાની પણ પુષ્ટિ : આ કાર્યક્રમ દરમિયાન તેણે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે ભારતીય ક્રિકેટ ચાહકોને સ્પષ્ટ કરી દીધું હતું કે રોહિત શર્મા આગામી T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળશે. આ સાથે જય શાહે ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના રમવાની પણ પુષ્ટિ કરી છે. આ કાર્યક્રમ દરમિયાન જય શાહે ભારતીય પ્રશંસકોને ખાતરી આપી હતી કે રોહિત શર્માની કપ્તાનીમાં ભારત T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતશે.
જય શાહે શું કહ્યું : આ પ્રસંગે જય શાહે કહ્યું, ' ઘણા લોકો ઈચ્છતા હતા કે હું વર્લ્ડ કપ વિશે કંઈક બોલું. પણ હું હવે બોલું છું. અમે સતત 10 જીત છતાં 2023માં અમદાવાદમાં વર્લ્ડ કપ જીતી શક્યા નહોતા પરંતુ અમે દિલ જીતી લીધા હતા. હું તમને વચન આપવા માંગુ છું કે 2024 (T20 વર્લ્ડ કપ) બાર્બાડોસમાં (ફાઇનલનું સ્થળ) અમે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતને જીત અપાવીશું અને ભારતીય ધ્વજ લહેરાવીશું.
રોહિત શર્મા કપ્તાની કરશે : તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતને ફાઇનલમાં હરાવ્યું હતું. અગાઉ, T20 વર્લ્ડ કપ 2022માં રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હારીને સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 ક્રિકેટ રમ્યા ન હતા અને હાર્દિકને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. આ પછી એવું લાગી રહ્યું હતું કે રોહિત અને કોહલી હવે T20 ફોર્મેટમાં ટીમ માટે નહીં રમે. પરંતુ વર્લ્ડ કપ 2023 બાદ જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણીમાં તેને પરત લાવવામાં આવ્યો હતો. હવે તે T20 વર્લ્ડ કપમાં જોવા મળશે, જ્યાં રોહિત ટીમની કપ્તાની કરશે.
મુખ્ય કોચ રાહુલ દ્રવિડ : ખંડેરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જય શાહ હાજર રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર અને અનિલ કુંબલે પણ અહીં હાજર હતા. આ સિવાય આઈપીએલના પ્રમુખ અરુણ ધૂમલ પણ હાજર હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને અન્ય ટીમના સભ્યો પણ ત્યાં હાજર હતા. T20 વર્લ્ડ કપ 2024ની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) કરશે.