રાજકોટ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જાડેજાએ આ એવોર્ડ તેમની પત્ની રીવાબા જાડેજાને સમર્પિત કર્યો છે. જાડેજાએ આ એવોર્ડ તેમને સમર્પિત કરવા પાછળનું કારણ તેમની પત્નીની મહેનતને આભારી છે. જાડેજાએ તેની મહેનતની પ્રશંસા કરી છે.
રીવાબા અને રવીન્દ્રની પોસ્ટ : આ એવોર્ડ પત્નીને અર્પણ કરતી વખતે જાડેજાએ કહ્યું કે હું આ POTM એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું. તે મારી પાછળ ખૂબ જ મહેનત કરી રહી છે અને પૂરો સમય મને સાથ આપ્યો છે. અગાઉ તેની પત્નીએ પણ જાડેજાના શાનદાર પ્રદર્શનના વખાણ કર્યા હતાં. રીવાબા જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 'હું રાજકોટમાં મારા પતિ રવીન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનની ઉજવણી કરી રહી છું. તેમણે પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે તેમને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ મળ્યો હતો. ભારતીય ટીમને શાનદાર જીત માટે અભિનંદન.
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ : રવીન્દ્ર જાડેજાએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ તેની પત્નીને સમર્પિત કર્યો એ પણ ખાસ છે. કારણ કે થોડા દિવસ પહેલા જ તેના પિતા અનિરુદ્ધ સિંહે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે, જાડેજાએ તે આરોપોને સ્ક્રિપ્ટેડ ગણાવીને અવગણવાની વાત કરી હતી.
રાજકોટ ટેસ્ટ મેચમાં જીત : આપને જણાવી દઈએ કે ભારતીય ટીમે પાંચ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 434 રનના મોટા માર્જિનથી જીતી લીધી છે. આ મેચમાં રોહિત શર્માએ પ્રથમ દાવમાં 131 રન, રવિન્દ્ર જાડેજાએ 112 રન, સરફરાઝ ખાને 61 રન અને બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 214 રન, શુભમન ગીલે 91 રન અને સરફરાઝ ખાને 68 રન બનાવ્યા હતાં.