રાજકોટ : રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ હતી. ત્યારે આ ત્રીજા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે. જ્યારે ઇંગ્લેન્ડ ટીમના બીજા દાવમાં 122 રનમાં ટીમ આઉટ થઈ ગઈ હતી. એવામાં ભારતીય ટીમનો વિજય થયો હતો. ત્યારે ભારતીય ટીમને રાજકોટની સૈયાજી હોટલ ખાતે ભવ્ય આવકારો આપ્યો હતો. ગરબાના તાલે ક્રિકેટરોને હોટેલ ખાતે આવકારો આપવામાં આવ્યો હતો. આ સાથે જ હોટેલમાં કેક કટીંગ કરીને મેચના જીતની ઉજવણી પણ કરવામાં આવી હતી.
રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી : રાજકોટ ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો આ ટેસ્ટ મેચમાં લોકલ બોય રવિન્દ્ર જાડેજાએ પાંચ જેટલી વિકેટો લીધી હતી. જ્યારે જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. જેના કારણે ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર બની હતી અને ટેસ્ટ મેચના ત્રીજા જ દિવસે ભારતીય ટીમનો વિજય થયો હતો.
અશ્વિનનો 500ની વિકેટનો લક્ષ્યાંક પૂરો : આ ટેસ્ટમાં ભારતીય બોલર આર અશ્વિને પોતાની 500ની વિકેટનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ રાજકોટ ટેસ્ટમાં રેકોર્ડ 434 રનથી જીત મેળવી છે. 557 રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગમાં માત્ર 122 રન જ બનાવી શકી હતી. એવામાં પાંચ મેચની આ ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ અત્યાર સુધી બે ટેસ્ટ મેચ જીતી ચૂકી છે અને ઇંગ્લેન્ડની ટીમ એક ટેસ્ટ મેચ જીતી છે.
ટીમ રાજકોટથી રવાના થશે : રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં 16 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. જ્યારે આ અગાઉની બે ટેસ્ટ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ 1-1 ટેસ્ટ મેચ જીતી ચૂક્યું હતું. એવામાં ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઇ હતી. જેમાં પણ ભારતીય ટીમની જીત થઈ છે. હવે આગામી દિવસોમાં વધુ બે ટેસ્ટ મેચ રમાશે. ત્યારે આ ટેસ્ટ મેચ ઉપર સૌની નજર રહેશે. જો ભારતીય ટીમ હવે વધુ એક ટેસ્ટ મેચ જીતશે તો તે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ઉપર કબજો મેળવશે. એવામાં આજે ટેસ્ટ મેચમાં ભારતની ટીમની જીત થતા જ રાજકોટની કાલાવડ રોડ ઉપર આવેલી સૈયાજી હોટલ ખાતે ટીમના પ્લેયરોને આવકારવામાં આવ્યા હતા અને જીતનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.