નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી કંઈ એમ જ કિંગ કોહલી નથી કહેવાતો, ક્રિકેટ જગતના કિંગ બનવા માટે તેણે ખૂબ લાંબી અને સખત મહેનત કરી છે. વર્ષ 2012 માં આજના દિવસે કોહલીએ શ્રીલંકા સામે શાનદાર સદી ફટકારી હતી. માત્ર કોહલીના ચાહકો જ નહીં પરંતુ તમામ ક્રિકેટ ચાહકો 12 વર્ષ પહેલા રમાયેલી આ ઇનિંગને પોતાના માનસપટ પર સજાવીને રાખી છે. કોહલીની 133 રનની આ ઇનિંગે ભારતને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.
ભારત, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં પહેલેથી જ ફાઇનલમાં પહોંચ્યું ગયું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ટકરાવવા માટે શ્રીલંકા અને ભારત વચ્ચે સ્પર્ધા હતી. 28 ફેબ્રુઆરીએ રમાયેલી આ મેચ ભારતને માત્ર જીતવાની જ નહોતું, પરંતુ સારા રન રેટથી જીતીને ફાઇનલમાં પહોંચવાનું હતું. ભારતે નિર્ધારિત 40 ઓવરમાં શ્રીલંકાએ આપેલો ટાર્ગેટ હાંસલ કરવાનો હતો. વિરાટ કોહલીની સદીની મદદથી ભારતે 4 ઓવર બાકી રહેતા 36 ઓવરમાં તે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
આ મેચમાં તિલકરત્ને દિલશાનની 169 રનની સદી અને કુમાર સંગાકારાના 105 રનની મદદથી 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને શ્રીલંકાએ 320 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ આપેલા આ લક્ષ્યાંક ભારતને માત્ર 40 ઓવરમાં જ ચેઝ કરવાનો હતો. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જોકે તેઓ લાંબી ઇનિંગ્સ રમી શક્યા ન હતા.
2 વિકેટ પડી ગયા બાદ બેટિંગ કરવા આવેલા કિંગ કોહલીએ શ્રીલંકાના બોલરો પર જોરદાર વરસી પડ્યો હતો. કોહલીએ આ મેચમાં 86 બોલમાં અણનમ 133 રન બનાવ્યા હતા. જેમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ મેચમાં ગૌતમ ગંભીરે પણ 63 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ લક્ષ્યાંક 36.4 ઓવરમાં મેળવી લીધો હતો. આ ઇનિંગ બાદ કોહલીના ચાહકોના દિલ અને દિમાગ પર કિંગ કોહલીનું રાજ હતું. ચાહકો આ ઇનિંગને આજે પણ યાદ કરે છે.