હૈદરાબાદ: હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ મેચનો ઉત્સાહ ધીમે ધીમે વધી રહ્યો છે. એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની સીરીઝમાં વ્યસ્ત છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટેસ્ટ ક્રિકેટનું પોતાનું મહત્વ છે અને તેમાં ભાગ લેવો દરેક ક્રિકેટરનું સપનું હોય છે. એવામાં જો કોઈ ક્રિકેટર પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં સદી ફટકારે કે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરે તો તે ચાહકોના દિલમાં જગ્યા બનાવી લે છે.
ભારતીય ખેલાડીએ ડેબ્યૂમાં જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો:
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ લેગ સ્પિનર 'નરેન્દ્ર હિરવાણી'ના ટેસ્ટ ડેબ્યૂને કોણ ભૂલી શકે છે, જેઓ આજે (18 ઓક્ટોબર) પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હિરવાણીએ જાન્યુઆરી 1988માં ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની પહેલી જ મેચમાં તબાહી મચાવી હતી. તે મેચમાં હિરવાણીએ પ્રથમ દાવમાં 61 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં તેમણે 75 રનમાં આઠ વિકેટ ઝડપી હતી. એટલે કે નરેન્દ્ર હિરવાણીએ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 136 રન આપીને 16 વિકેટ લીધી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં કોઈપણ બોલરનું આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. તેમનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. જ્યારે હિરવાણીએ આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. હિરવાણીના આ શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમે 255 રનથી મેચ જીતી લીધી હતી. તે મેચમાં રવિ શાસ્ત્રી ભારતીય ટીમના કેપ્ટન હતા.
Happy Birthday Narendra Hirwani
— Cricketopia (@CricketopiaCom) October 18, 2024
The Best Bowling Figure on a Test Debut: 16 for 136 (8/61 & 8/75) in his debut test against West Indies at Chennai.
Hirwani played 17 tests and 18 ODIs for India and took 66 and 23 wickets respectively. pic.twitter.com/jhMEvVFm10
કોના નામે છે વધુ રેકોર્ડઃ
આમ તો ટેસ્ટ ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ બોલરોમાં ઓસ્ટ્રેલીયાના બોંબ મેસી નરેન્દ્ર હિરવાણી બાદ બીજા નંબર પર આવે છે. મેસીએ 1972ની લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 137 રન આપીને 16 વિકેટ લીધી હતી. આ યાદીમાં ઈંગ્લેન્ડના ફ્રેડરિક માર્ટિન ત્રીજા સ્થાને છે. 1890માં ઓવલ ટેસ્ટમાં માર્ટિને કાંગારૂઓ સામે 102 રન આપીને 12 વિકેટ ઝડપી હતી.
હિરવાણીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડઃ
ટેસ્ટ ક્રિકેટમાં નરેન્દ્ર હિરવાણીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 1990માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ ટેસ્ટમાં હિરવાણીએ બ્રેક લીધા વિના સતત 59 ઓવર ફેંકી હતી. (એટલે કે 11મી ઓવર બાદ 13મી ઓવર, 15મી ઓવર, 17મી ઓવર આ રીતે 59 ઓવર ફેંકી હતી.) આ દરમિયાન તેણે 18 મેડન ઓવર નાખી અને 137 રન આપીને 1 વિકેટ લીધી. કોઈ પણ બોલર દ્વારા ટેસ્ટ મેચમાં બ્રેક વિનાનો આ સૌથી લાંબો બોલિંગ સ્પેલ હતો, અને તેમનો આ રેકોર્ડ હજુ પણ અકબંધ છે.
આંતરરાષ્ટ્રીય કારકિર્દીઃ
નરેન્દ્ર હિરવાણીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 8 વર્ષ (1988-96) સુધી ચાલી હતી. હિરવાણીએ ભારત માટે 17 ટેસ્ટ અને 18 વનડે મેચ રમી હતી. હિરવાણીએ ટેસ્ટ ક્રિકેટમાં 30.10ની એવરેજથી 66 વિકેટ લીધી હતી, અને વનડેમાં તેમણે 31.26ની એવરેજથી 23 વિકેટ ઝડપી છે.
હિરવાણીનો પુત્ર પણ ક્રિકેટર:
નરેન્દ્ર હિરવાણીએ તેની પ્રથમ ચાર ટેસ્ટ મેચમાં 36 વિકેટ લીધી હતી. આ પછી તેણે વિદેશી ધરતી પર આગામી નવ ટેસ્ટ રમી, જ્યાં તેને વિકેટ લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો અને તે 59ની સરેરાશથી માત્ર 21 વિકેટ લઈ શક્યો. આ ખરાબ પ્રદર્શન બાદ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. હિરવાણીનો પુત્ર મિહિર પણ લેગ સ્પિનર છે. 30 વર્ષીય મિહિર હિરવાણીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 31 ફર્સ્ટ ક્લાસ, 23 લિસ્ટ-એ અને 24 ટી-20 મેચ રમી છે.
આ પણ વાંચો: