રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાવાની છે. 15 ફેબ્રુઆરીથી આ ટેસ્ટ મેચ શરૂ થશે. એવામાં આજે 11 તારીખે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા. મોડી સાંજે ખેલાડીઓ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ મોટર માર્ગે શહેરની સૈયાજી હોટલ ખાતે આવી પહોંચ્યા હતા. એવામાં ભારતીય ખેલાડીઓ રાજકોટમાં આવ્યા હોય જેને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હોટલની બહાર પ્લેયર્સને જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે આવતીકાલે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ રાજકોટ પહોંચે તેવી શક્યતાઓ છે.
15 તારીખથી ટેસ્ટ મેચ થશે શરૂ
હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ છે. એવામાં બંને ટીમ એક એક ટેસ્ટ મેચ જીતી ચૂકી છે. ત્યારે સીઝનનો ત્રીજો ટેસ્ટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમવાનો છે. 15 ફેબ્રુઆરીએ આ ટેસ્ટ મેચ રમાશે. જેને લઇને રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ભરના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે જ્યારે ટેસ્ટ મેચને લઈને ભારતીય ક્રિકેટ ટીમના અલગ અલગ પ્લેયર આજે મોડી સાંજે રાજકોટની સૈયાજી હોટલ ખાતે પહોંચી હતી. ટીમના કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, આર અશ્વિન, સરફરાજ ખાન અક્ષર પટેલ સહિતના ખેલાડીઓ રાજકોટની સૈયાજી હોટલ ખાતે પહોંચ્યા હતા. જેને લઈને હોટલ પ્રશાસન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આવતીકાલે ઈંગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે
ટેસ્ટ મેચને લઈને આજે ભારતીય ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ આવતીકાલે શહેરના ફોર્ચ્યુન હોટલ ખાતે પહોંચશે. ત્યારબાદ બંને ટીમોનું પ્રેક્ટિસ સેશન યોજાશે. જ્યારે 14 ફેબ્રુઆરીના રોજ ખંડેરી સ્ટેડિયમનું નામકરણ કરવામાં પણ આવનાર છે. બીસીસીઆઈના વડા જય શાહના હસ્તે ખંડેરી સ્ટેડિયમને નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવશે. જેની ભવ્ય સેરેમનીનું14 ફેબ્રુઆરી એટલે કે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર ટેસ્ટ મેચના એક દિવસ પહેલા યોજાશે. જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચને લઈને રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ભરના ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમ આજથી 19 ફેબ્રુઆરી સુધી રાજકોટમાં રોકાણ કરવાની છે. જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે.