રાજકોટ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતી અને ઈંગ્લેન્ડ પહેલા બોલિંગ કરતી જોવા મળશે. ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. પ્લેઇંગ 11માં મુકેશ કુમાર, અક્ષર પટેલ, કેએસ ભરતને સ્થાન મળ્યું નથી.
મોહમ્મદ સિરાજની મેચમાં વાપસી : મુકેશ કુમારની જગ્યાએ મોહમ્મદ સિરાજની મેચમાં વાપસી થઈ છે. આ સાથે જ ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન પણ ડેબ્યુ કરશે. કેએલ રાહુલની ઈજાના કારણે સરફરાઝ ખાનને ટીમમાં તક આપવામાં આવી છે. સરફરાઝ ખાનને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અનિલ કુંબલે દ્વારા ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. આ કેપ મેળવ્યા બાદ સરફરાઝ ખાનના પિતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને આંસુ લૂછતા જોવા મળ્યા હતાં. ત્યારે સરફરાઝ ખાનની પત્ની પણ ભાવુક થઈ ગયાં હતાં અને ખુશીના આંસુ સારતાં જોવા મળ્યાં હતાં. વિકેટકીપર કેએસ ભરતની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં રાખવામાં આવ્યો છે. અક્ષર પટેલ પણ પ્લેઇંગ 11નો ભાગ નથી. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ભારતીય ટીમ માટે ઓપનિંગ કરતા જોવા મળશે.
રાહુલની જગ્યાએ સરફરાઝ ખાન : કેએલ રાહુલની જગ્યાએ સરફરાઝ ખાનને બેટિંગમાં ઉતારવામાં આવશે. જુરેલ વિકેટકીપર કેએસ ભરતની જગ્યાએ બેટિંગ કરવા ઉતરશે. સમગ્ર દેશની નજર ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન પર રહેશે.
કેપ્ટન રોહિત શર્માની પ્રતિક્રિયા : ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવાના છીએ. અમે કેટલાક ફેરફારો કર્યા છે, ચાર ફેરફારો. કેટલાક ઇજાગ્રસ્ત છે અને કેટલાક લોકો છેલ્લી રમતમાંથી પરત ફરી રહ્યા છે. સિરાજ અને જાડેજા ટીમમાં પાછા ફર્યા છે. આ એક સારી પિચ જેવી લાગે છે, છેલ્લી બે પિચો કરતાં વધુ સારી છે. રાજકોટની પીચ સારી માનવામાં આવે છે પરંતુ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તે વધુ ખરાબ થતી જશે.
કેપ્ટન બેન સ્ટોક્સે શું કહ્યું : ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે જો અમે ટોસ જીત્યા હોત તો અમે પણ પહેલા બેટિંગ કરી હોત. અમે પ્રથમ બે ટેસ્ટમાં જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમે સારો વિરામ લીધો, દરેકને આરામ કરવાની તક આપી. ક્રિકેટ નહોતું, અમે પરિવારોને સમય આપ્યો. તે ખૂબ સરસ હતું. આટલા લાંબા સમય સુધી અહીં રહેવું શારીરિક અને માનસિક રીતે મુશ્કેલ છે. મારા માટે ફરીથી તૈયાર થવા અને થોડો સમય ક્રિકેટથી દૂર રહેવાની આ સારી તક હતી.
બંને ટીમોની પ્લેઇંગ 11 : ભારત - યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), બેન ફોક્સ (ડબલ્યુકે), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન છે.