મોરબી: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા VII એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં બે મેડલ જીતીને રેલવેનું નામ રોશન કર્યું છે. રાજકોટમાં કેરેજ અને વેગન ડેપોમાં હેલ્પર તરીકે કામ કરતા દેવેન્દ્ર યાદવે પેરા આર્મ રેસલિંગ એટલે કે (પંજા કુશ્તી) માં જમણા હાથની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને ડાબા હાથની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને રેલવેનું નામ રોશન કરવાની સાથે દિવ્યાંગતાને પણ પડકાર ફેંક્યો છે.
પેરા આર્મ રેસલિંગમાં સિલ્વર મેડલ:
મળતી વિગત મુજબ દેવેન્દ્ર યાદવ હાલ રાજકોટમાં કેરેજ અને વેગન ડેપોમાં હેલ્પર તરીકે કામ કરે છે. તેણે VII એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને પેરા આર્મ રેસલિંગ (પંજા કુશ્તી) માં જમણા હાથની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને ડાબા હાથની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને તેમની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. મુશ્કેલ સંજોગોમાં પણ પોતાની મહેનત અને સમર્પણથી યાદવે આ સિદ્ધિ હાંસિલ કરી છે. દેવેન્દ્ર યાદવ પ્રતિભાશાળી ખેલાડી છે. અને તેઓ આર્મ રેસલિંગમાં 4 વખત રાષ્ટ્રીય કક્ષાએ અને 6 વખત રાજ્ય કક્ષાએ મેડલ જીતી ચૂક્યા છે.
રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે પણ યાદવને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, 'તેમની આ સિદ્ધિ તમામ ખેલાડીઓ માટે નવી પ્રેરણારૂપ છે. તેઓ આ ઉંચી ઉડાન ચાલુ રાખે અને ભવિષ્યની તમામ સ્પર્ધાઓમાં વધુ સફળતા હાંસલ કરે તેવી શુભકામના પાઠવી હતી. અને જણાવ્યું કે યાદવની આ સફળતાએ સાબિત કર્યું છે કે, સખત મહેનત અને દૃઢ નિશ્ચયથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેમની આ સિદ્ધિએ રેલવેને ગૌરવ અપાવ્યું છે અને નવા ખેલાડીઓ માટે તેઓ પ્રેરણાના સ્ત્રોત બન્યા છે.
આ પણ વાંચો: