સુરત : ચાંદીપુરા વાયરસે સુરતની એક બાળકીનો ભોગ લીધો છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સુરતની બે બાળકીમાં જણાયા હતા. જેમાંથી એક બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકીની તબિયત સ્વસ્થ છે.
સુરતમાં બે શંકાસ્પદ કેસ : પ્રથમ કિસ્સામાં સચિન સ્વસ્લમ બોર્ડમાં રહેતા શ્રમજીવી પરિવારની ધોરણ 6 અભ્યાસ કરતી 12 વર્ષની સંધ્યાને શુક્રવારે તાવ આવ્યો હતો. સારવાર દરમિયાન બપોરે ત્રણેક વખત ખેંચ આવતા તેણીની તબિયત લથડવા લાગી હતી. જેથી ખાનગી હોસ્પિટલથી વધુ સારવાર માટે શનિવારે બપોરે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં વેન્ટિલેટર પર સારવાર કરવામાં આવી હતી.
એક બાળકીનું મોત : આ બાળકીનું સારવાર દરમિયાન સોમવારે મળસ્કે સાડા ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન મોત થયું હતું. તેણી 36 કલાક મોત સામે લડી અને અંતે અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીનગર અને પૂણે મોકલાયેલા બાળકીના સેમ્પલનો રિપોર્ટ સંભવતઃ સાત દિવસ આવશે. જે બાદ બાળકીને ચાંદીપુરા વાયરસ છે કે નહીં તે અંગે જાણી શકાશે.
ચાંદીપુરા વાયરસનો બીજો કેસ : બીજા કિસ્સામાં રવિવારે મોરાભાગળ વિસ્તારની પાંચ વર્ષીય અમ્રિતા પટેલને તાવ સહિતની બીમારી હતી. જેથી સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા સારવાર કરવામાં આવી રહી હતી. સોમવારે બાળકીનો મેલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે બાદ તબીબો બાળકીની મેલેરિયાની સારવાર કરી રહ્યા છે. બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ ન હોવાનું જણાવ્યું હતું.
માતાપિતા માટે ખાસ સૂચના : નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડૉ. જિગીશા પાટડીયાએ જણાવ્યું કે, વેન્ટિલેટર પર સારવાર હેઠળની 12 વર્ષીય બાળકીનું મોત દુઃખદ બાબત છે, જેનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આગામી 7 દિવસ સુધીમાં આવશે. પરંતુ વાલીઓએ બાળકોને જ્યારે તાવ-શરદી સહિતની બીમારીના સામાન્ય લક્ષણ પણ જણાય તો તાત્કાલિક નિષ્ણાત તબીબ પાસેથી યોગ્ય સારવાર લેવી જોઈએ, જાતે અથવા મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ સારવાર કરવી યોગ્ય નથી.