બનાસકાંઠા: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટાની રમત પણ જામી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી રાજીનામું આપશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં અને ટીવી ચેનલોમાં વાયરલ થયા હતા જે બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અસમંજસમાં મુકાયા હતા અને અનેક તર્ક વિતરકો પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં સાંજના સમયે ધારાસભ્યએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટો પર પોસ્ટ મૂકી અને આ ઘટનાને વખોડી કાઢી હતી.
ધારાસભ્યના રાજીનામાને લઈને તર્ક વિતર્ક: દાંતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી રાજીનામું આપશે જેવી બાબતે બુધવારના દિવસે દિવસભર સોશિયલ મીડિયા અને વિવિધ ચેનલોમાં આ મામલો સામે આવતા દાંતા વિધાનસભાનું રાજકારણ ગરમાયું હતું. જે બાદ ચોક્કસથી ધારાસભ્ય રાજીનામું આપશે કે નહીં તેને લઈ પણ લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જે મામલે અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યના રાજીનામા મામલે પ્રતિક્રિયા આપી સાથે જ ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ વાયરલ કરી અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.
આ મામલે ધારાસભ્ય કાંતિ ખરાડીએ સ્પષ્ટતા કરતાં એક પોસ્ટ વાયરલ કરી જણાવ્યું હતું કે મારા દાંતા વિધાનસભાના વડીલો, આગેવાનો, કાર્યકરો, ભાઈઓ-બહેનો, તથા મારા યુવા મિત્રો આપ સૌ જાણો છો કે જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે આવા ખોટા મેસેજ તથા ખોટા ખોટા તાઈફાઓ ચાલે છે જેમ ગઈ 14 જાન્યુઆરી 2024 ના ઉતરાયણના રોજ પણ આવા જ ખોટા ખોટા મેસેજ ટીવી ચેનલ મીડિયા તથા સોશિયલ મીડિયામાં ચાલતા હતા. આજે પણ ધારાસભ્ય તરીકના રાજીનામાના ખોટા ખોટા ન્યુઝની ઘટનાને વખોડું છું આપ સૌ મારા દાંતા વિધાનસભાના જાહેર જનતાને અપીલ કે આવા ખોટા ખોટા ન્યુઝ તથા અફવાઓથી દૂર રહેવું.
શહેર કોંગ્રેસ પ્રમુખે આપી પ્રતિક્રિયા: અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ તુલસીભાઈ જોશીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ તુલસીભાઈ જોશીએ જણાવ્યું હતું કે જે ખોટા મેસેજ ટીવી ચેનલોમાં પણ ચાલી રહ્યા છે કે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી રાજીનામું આપશે તે તદ્દન ખોટી બાબત છે. ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પક્ષ સાથે જોડાયેલા છે અને કોઈ રાજીનામું આપવાના નથી. મારી એમની સાથે વાત થઈ છે સાથે જ આ રીતે ખોટા મેસેજ વાયરલ કરનારો સામે પણ કાર્યવાહીની બાબત તુલસીભાઈ જોષીએ પ્રતિક્રિયામાં જણાવી હતી.