રાજકોટ : વર્ષ 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે રાજકોટમાંથી બહુ-ચર્ચિત ચહેરો અને શિક્ષણવિદ્ કિરણ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. રાજકોટની ભાજપની બેઠક એટલે એવી સુરક્ષિત બેઠક કે એ બેઠક પર કમળનું ફૂલ કોઈ દિવસ કરમાય નહિ, પણ 2009ની લોકસભાની ચૂંટણીમાં કિરણ પટેલ સામે કુંવરજી બાવળીયા કોંગ્રેસ તરફથી લડી રહ્યા હતા અને જીતી ગયા હતા. બાવળીયાની જીત પાછળ કોળી અને લેઉવા પટેલોનું અદભુત સમીકરણ જોવા મળ્યું હતું. આ વખતે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોને લઈને ફરી પાછું કમળનું ફૂલ કરમાય તો નહિ જાયને તેવી ચર્ચાએ રાજકોટનાં રાજકીય ગલિયારાઓમાં જોર પકડ્યું છે.
કોણ છે પુરુષોત્તમ પીપળીયા ?
આ ચર્ચા પાછળનું મુખ્ય કારણ છે લેઉવા પટેલ સમાજનો એક બહુચર્ચિત ચહેરો - પુરુષોત્તમ પીપળીયા, જેઓ વ્યવસાયે સહકારી ક્ષેત્રની બેન્કનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અને સમયાંતરે સોશિયલ મીડિયા દ્વારા સામાજીક અને રાજકીય પ્રવાહો પર તેમની પ્રતિક્રિયાઓ આપતા હોય છે. હાલમાં પીપળીયાની ફેસબુક વોલ પર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને આહત પહોંચે તેવા વિધાનો સામે પડેલી ક્ષત્રાણીઓનાં આંદોલનને સમર્થન આપતી પીપળીયાની ફેસબુક પોસ્ટે "પરશોત્તમ વિરુદ્ધ પુરષોત્તમ" જેવો ઘાટ સર્જ્યો છે. ત્યારબાદ એવી ચર્ચાઓએ પણ તુર પકડ્યું છે કે લેઉઆ પટેલો કાંઈક જુદા મિજાજમાં છે!
ETV ભારત સાથેની વાતચીતમાં પુરષોત્તમ પીપળીયાએ આ મુદ્દે સ્પષ્ટાઓ કરી ખુલાસાઓ કર્યા છે, જેમાં એમનો પક્ષ સ્પષ્ટપણે રાખતા લેઉઆ પટેલ સમાજ માટે ભૂતકાળમાં કરેલી ટિપ્પણી છતાંયે તેમનો પરષોતમ રૂપાલા સામે કોઈ વિરોધ નથી અને રૂપાલાએ ઇતિહાસને કલેક્ટીવ રીતે ન જોઈને સિલેક્ટિવ રીતે રજુ કરતા આ સમસ્યા સર્જાઈ હોવાનો તેમનો મત રજુ કર્યો છે. સાથે સાથે ભાજપનાં હાલનાં ઉમેદવાર સામે આ વખતે કોઈ બહુ મોટી સમસ્યાઓ કે પડકારો છે નહિ જે વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીઓ વખતે હતા. આયાતી ઉમેદવારનું લેબલ રૂપાલા પર લાગ્યું હોવા છતાં રૂપાલા માટે આ લોકસભાની ચૂંટણી જીતવાની શક્યતાઓ ઘણી મજબૂત હોવાની વાત રજુ કરી છે. |
એક નજર નાખીએ રાજકોટ બેઠક પરની કુલ મતદાતાઓની સંખ્યા અને જ્ઞાતિગત સમીકરણો પર તો ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર મળતી માહિતી મુજબ, રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાની બેઠકોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં કુલ મતદાતાઓની અંદાજે સંખ્યા 21 લાખ આસપાસ છે.
જ્ઞાતિગત સમીકરણો કેટલા અસર કરી શકે ?
- તો જ્ઞાતિગત સમીકરણોની આંકડાકીય માહિતી પર વર્ષ 2019ની થયેલી ગણના મુજબ કુલ અંદાજે 19 લાખ મતદાતાઓની સંખ્યા મુજબ 29% વસ્તી પાટીદાર પટેલોની હતી, જ્યારે 16% વસ્તી કોળીઓની, 6% વસ્તી ક્ષત્રિયોની અને 6% વસ્તી દલિતોની અને 43% વસ્તી અન્ય જ્ઞાતિઓની હતી. ઉપરોક્ત ટકાવારીની વિગતોને ધ્યાને લઈને આંકડાકીય રીતે જોઈએ તો લેઉવા પટેલોની વસ્તી 3 લાખ આસપાસ, કડવા પટેલોની વસ્તી 2.50 લાખ આસપાસ, કોળીઓ ની વસ્તી 3 લાખ, ક્ષત્રિયોની વસ્તી 1.10 લાખ અને દલિત મતદાતાઓની વસ્તી 1.10 લાખ અને અન્ય જ્ઞાતિઓ 7.95 લાખ.
- હવે ઉપરોક્ત પરિસ્થિતિઓને ધ્યાને લઈને કોળીઓ, લેઉવા પટેલો, ક્ષત્રિયો, દલિતો અને અન્ય જ્ઞાતિઓ મહદાંશે જો એક જ દિશામાં ચાલે અને રૂપાલા વિરુદ્ધ રાજપૂતનાં આંદોલનનાં ટેકામાં ભાજપનાં ઉમેદવાર વિરુદ્ધ ક્રોસવોટિંગ કરે તો 2009ની સાલમાં રાજકોટ લોકસભાની સીટ પરથી ભાજપ કોઈ દિવસ હારે નહિની લોકવાયકા જે રીતે ધ્વસ્ત થઈ હતી એ દિશામાં જો મતદાનને દિવસે મતદાતાઓ ફંટાઈ તો ફરી પાછું કમળનું ફૂલ રાજકોટ ખાતે કરમાઈ જાય.
- એક વાત એવી પણ છે કે વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીઓમાં રાજકોટ સ્થિત લેઉવા પટેલ પાટીદાર ઉદ્યોગપતિ જે કિરણ પટેલ વિરુદ્ધ અંદરખાને સક્રિય રહીને જાહેરમાં નિષ્ક્રિય રહ્યા હતા અને ત્યારબાદ લેઉઆ પટેલોનાં આસ્થાનાં કેન્દ્ર સાથે જોડાઈને સમયાંતરે ચૂંટણીઓ આવે ત્યારે તેમની નિષ્ક્રિય રીતે અને સાલસ દેખાતી સક્રિયતા પ્રગટ કરે છે, "એ હજુ મેદાનમાં જાહેરમાં આવ્યા નથી!" - નહિ રૂપાલાની વિરુદ્ધમાં કે નહિ એમની તરફેણમાં.
- રાજકોટ બેઠક પર વર્ષ 2009માં કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી 47.3% હતી જ્યારે ભાજપને 43.5% મતો મળ્યા હતા, વર્ષ 2014માં આ ટકવારીમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે જેમાં કોંગ્રેસને 35.4% મતો મળ્યા હતા જ્યારે ભાજપને 58.9% મતો મળ્યા હતા અને વર્ષ 2019માં કોંગ્રેસને 33.2% મતો મળ્યા હતા જ્યારે ભાજપને 64.5% મતો મળ્યા હતા.
આવી જોરદાર પરિસ્થિતિ કે જેમાં ભાજપને છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓમાં જબરદસ્ત લોકસમર્થન સાંપડ્યું છે તેમ છતાંયે ચૈત્રી નવરાત્રીનાં દિવસોમાં લેઉવા પટેલ પાટીદાર સમાજનાં ઉદ્યોગપતિ અગ્રણી અને માતાજીનાં ભક્ત શ્રેષ્ઠી આ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં જુવાળને કઈ દિશામાં લઈ જાય છે તેનાં પર રાજકીય વિશ્લેષકો અને રાજકીય પંડિતોની નજર છે. આ વંટોળને વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીની જેમ અંદરખાને સક્રિય રહીને બહારથી નિષ્ક્રિય રહેવાનો દેખાવ કરનારા આ લેઉવા પટેલ અગ્રણી ઉદ્યોગપતિ દિશા અને ગતિ આપશે તો કદાચ રાજકોટ ખાતે કમળનું ફૂલ બીજી વખત માત્ર કરમાશે નહિ, પણ તેની એક એક પાંખડી પણ ક્યાંયે શોધી નહિ જડે.
રાજકોટની રણભૂમિ કેટલી રોચક બનશે ? : ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોળી સમાજનો ટેકો જાહેર કરતા શું રાજકોટ લોકસભા પર 2009વાળી થવાની સંભાવના ખરી? આ વિશે સંભાવના વ્યક્ત થઇ રહી છે કે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના આંદોલન પછી રાજકોટની રણભૂમિ કેટલી રોચક સાબિત થશે તે હવે લાગી રહ્યું છે. કારણ કે કોળી જ્ઞાતિ અને લેઉઆ પટેલનું સમીકરણ જો રચાય તો રાજકોટમાં 2009ની લોકસભાની જે પરિસ્થિતિ સર્જાઇ હતી જેમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કિરણ પટેલ કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયા સામે હાર્યા હતા.
2009ની લોકસભાવાળી પરિસ્થિતિ સર્જાઇ શકે : ગીર સોમનાથના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમા જેઓ આજે રાજકોટની કોંગ્રેસની જન સ્વાભિમાન સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા તેમણે મંચ પરથી કોળી સમાજનો ટેકો રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા સામે લડી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને જાહેર કરતા રાજનીતિ અને સંલગ્ન રાજકીય વ્યવસ્થાઓ પર નજર રાખી રહેલા નિષ્ણાંતોનું માનવું છે કે શું રાજકોટમાં 2009ની લોકસભાવાળી પરિસ્થિતિ થવા જઈ રહી છે. હવે સહુ કોઈની નજર લેઉઆ પટેલોનાં વર્ચસ્વવાદી નેતાઓ કઈ દિશામાં ઈશારો કરે છે તેનાં પર છે.