અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, જેના પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ હતો, સાંજે પાંચ વાગતાની સાથે જ પ્રચાર પડઘામ શાંત થઈ ગયાં છે તેની સાથે જ હવે નેતાઓ ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે જોકે, જાહેરસભા, રેલીઓ કે ચૌપાલ જેવા કાર્યક્રમો નહીં કરી શકે. સાંજે 6 કલાક બાદ શહેરમાં લાગેલા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે. આ સાથે રેલી અને જનસભા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે. જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે.
આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ (21354 ચો.કિ.મી.) જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ છે. અમદાવાદમાં 60 લાખથી વધુ મતદારો: અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો છે. જેમાં મહિલા મતદાર 29,05,622 છે. કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.
મતદાન સમયે કયા પુરાવા સાથે રાખવા: તા.૦૭,મે ના રોજ મતદાનના દિવસે સવારના ૦૭.૦૦ કલાક થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે. ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે. તે મતદાન કરવા માટે પુરાવા તરીકે માન્ય રહેશે નહિ. મતદાનના દિવસે મતદારો ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ,ભારતીય પાસપોર્ટ ,ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર કે રાજય સરકાર અથવા જાહેર ક્ષેત્ર ઉપક્રમો તેમજ જાહેર લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા Unique Disability ID Card વગેરે વૈકલ્પિક ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકશે.
રજા મંજુર કરવા જાહેરનામું: ઉલ્લેખનિય છે કે, 7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર થયેલ છે. તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.