મહેસાણા: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ "નરમ" પડ્યા છે. નીતિનભાઈએ મહેસાણા લોકસભા ટિકિટ માટે કરેલી દાવેદારી પરત ખેંચી છે. તેમણે દાવેદારી પરત કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. નીતિનભાઈ પટેલે અચાનક દાવેદારી પરત ખેંચતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
નીતિન પટેલે પોસ્ટમાં લખ્યું છે કે મહેસાણા લોકસભા સીટના ભાજપ ઉમેદવાર તરીકે કેટલા કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ અને મહેસાણા લોકસભા ઉમેદવારની પસંદ પ્રક્રિયા હજી ચાલુ છે તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું.
મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સેન્સ પ્રક્રિયામાં કુંવરજી બાવળીયા, જયંતિ કવાડિયા અને જાનવી વ્યાસ નિરીક્ષક તરીકે ગયા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક માટે ટિકિટ માંગી હતી. તેઓ બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. તે ઉપરાંત પૂર્વ ગૃહ મંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલે પણ ટિકિટ માગી હતી. પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે પણ પોતાની દાવેદારી કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલે પણ બાયોડેટા આપ્યો હતો. આમ 20થી વધુ ઉમેદવારોએ મહેસાણા લોકસભા સીટ પરથી દાવેદારી કરી હતી.
સીટિંગ સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો:
મહેસાણા લોકસભા સીટ પરથી સીટીંગ સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. શારદાબેન પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો ઉમેદવાર મૂકવામાં આવે તેવી સંભાવના છે. શારદાબેન પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ યુવા ઉમેદવારને તક આપવી જોઈએ. મારી ઉંમર માપદંડમાં નથી આવતી. મહેસાણા દૂધ સાગર ડેરી પાસે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.
2004 લોકસભા ચૂંટણીમાં મહેસાણાથી નીતિન પટેલની થઈ હતી હાર:
ભૂતકાળમાં નીતિનભાઈ પટેલ મહેસાણાથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે. વર્ષ 2004માં તેઓ મહેસાણા સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે તેમની 14511 મતે હાર થઈ હતી. જીવાભાઈ પટેલ 2017 ની વિધાનસભા ચૂંટણી નીતિનભાઈ પટેલ સામે લડીને હાર્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
નીતિન પટેલે ગત વિધાનસભા ચૂંટણી બાદ બીજીવાર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો:
ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક વરિષ્ઠ આગેવાનો પાસેથી પોતે વિધાનસભા ચૂંટણી ના લડવા માંગતા હોય તેવો પત્ર લખાવવામાં આવ્યો હતો. નીતિનભાઈ પટેલે પણ પોતે વિધાનસભા ચૂંટણી લડવા નથી માંગતા તેવો પત્ર પાર્ટીને લખી આપ્યો હતો. 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. નીતિન પટેલે બીજી વાર પોતાની દાવેદારી પરત ખેંચતા અનેક તર્કવીતર્ક શરૂ થયા છે.
2017 વિધાનસભા ચૂંટણી બાદ પણ ભાજપથી નારાજ થયા હતા નીતિન પટેલ:
2017 ની વિધાનસભા ચૂંટણી બાદ નીતિન પટેલ ભાજપ મોવડી મંડળથી નારાજ થયા હતા. નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું પરંતુ, તેમની પાસેથી નાણાં ખાતું, પેટ્રો કેમિકલ્સ અને મહેસુલ ખાતા જેવા મહત્વપૂર્ણ વિભાગે લઈ લેવામાં આવ્યા હતા. જેના કારણે નીતિન પટેલ નારાજ થયા હતા. ગાંધીનગર સચિવાલય ખાતે પદભાર સંભાળ્યો ન હતો. બાદમાં ભાજપ મોવડી મંડળે તેમને મનાવી લીધા હતા.
લોકસભા ચૂંટણીમાં નીતિનભાઈને જવાબદારી:
નીતિન પટેલને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પાંચ લોકસભા ક્લસ્ટરની જવાબદારી સોંપાઈ હતી. બંને રાજ્યના પાંચ ક્લસ્ટરમાં તેઓ મોદી સરકારની યોજનાઓ વિશે લોકોને જાણકારી આપશે. ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાનમાં મદદરૂપ બનશે. ઉત્તરાખંડ અને યુપીના પાંચ ક્લસ્ટરની જવાબદારી બાદ પણ તેમણે લોકસભા ટિકિટ માંગી હતી. તેમને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સહ પ્રભારીની જવાબદારી પણ સોંપાઈ હતી.
નીતિન પટેલ ત્રણ વાર મુખ્યમંત્રી બનવાની તક ચુક્યા:
બહોળો રાજકીય અનુભવ ધરાવતા નિતીન પટેલ રાજ્યના મુખ્યમંત્રી બનવાની ત્રણ તક ચુકી ગયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને દિલ્હી ગયા ત્યારે મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું. પરંતુ મુખ્યમંત્રીનો તાજ આનંદીબેનના શિરે ગયો હતો. પાટીદાર આંદોલન બાદ આનંદીબેને રાજીનામું આપતા ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ આવ્યું હતું. અંતિમ સમયે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. નીતિન પટેલ નારાજ થયા હતા પરંતુ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવીને મનાવી લેવાયા હતા. વિજય રૂપાણીએ રાજીનામું આપતા ફરી એકવાર નીતિનભાઈને મુખ્યમંત્રી બનવાની તક ઊભી થઈ હતી. પ્રદેશ મોવડી મંડળે પ્રથમ વાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી સમગ્ર મંત્રીમંડળ બદલી નાખ્યું હતું.
કડીથી નીતિનભાઈ પટેલના રાજકીય સફરની શરૂઆત:
નીતિન પટેલનો જન્મ 22મી જૂન 1956 ના દિવસે વિસનગર ખાતે થયો હતો. તેમની રાજકીય કારકિર્દીના કેન્દ્રમાં કડીનગર રહ્યું છે. 1977માં કડી નગરપાલિકામાં તેઓ પ્રમુખ બન્યા હતા. 1974માં કડી તાલુકા નવનિર્માણસમિતિના મહામંત્રી તરીકે તેઓ જાહેરજીવનમાં સક્રિય થયા હતા. 1988 સુધી એક દાયકો કડી પાલિકામાં રહ્યા. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કમાં પણ આઠ વર્ષ ડિરેક્ટર અને કડી એપીએમસીમાં પણ ડિરેક્ટર રહ્યા. 1997-98 દરમિયાન તેઓ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા. આગળ જતાં ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં અને રાષ્ટ્રીય કારોબારીમાં પણ સભ્ય બન્યા.
1990માં કડી બેઠક પરથી જ પ્રથમ વાર ધારાસભ્યા બન્યા. 1995માં ભાજપની સરકાર બની ત્યારે આરોગ્યમંત્રી બન્યા હતા. 2001માં મોદીનું આગમન થયું અને વજુભાઈ વાળાએ તેમના માટે પોતાની બેઠક ખાલી કરી ત્યારે નીતિન પટેલને નાણા ખાતું મળ્યું હતું. આ રીતે ભાજપ સાથે તેમનો પણ સતત ઉદય થઈ રહ્યો હતો, પરંતુ 2002ની ચૂંટણીમાં તેઓ હારી ગયા અને પ્રથમ બ્રેક લાગી. 2007માં ફરીથી કડીમાં જ બળદેવજી ઠાકોરની સામે ઊભા રહ્યા અને આ વખતે માત્ર 1327 મતે જીતી શક્યા અને ફરીથી સરકારમાં પાછા ફર્યા. સીમાંકન પછી કડી બેઠક અનામત થઈ એટલે 2012 અને 2017 માં નીતિનભાઈ મહેસાણાથી જીત્યા હતા.