પટના: બિહારની 40 લોકસભા બેઠકો પર NDA દ્વારા બેઠક ફાળવણી જાહેર કરવામાં આવી છે. દિલ્હીના કેન્દ્રીય મુખ્યાલયમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં બિહારના પ્રભારી વિનોદ તાવડેએ બેઠકોની જાહેરાત કરી. જે અનુસાર BJPને 17 બેઠકો, JDUને 16 બેઠકો, ચિરાગની પાર્ટી LJPRને 5, જીતન રામ માંઝીની HAMને 1 અને ઉપેન્દ્ર કુશવાહાને 1 બેઠક મળી છે.
ભાજપને ફાળે 17 બેઠકો આવી છે જેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ઔરંગાબાદ, મધુબની, અરરિયા, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાય, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર, અરાહ, બક્સર, સાસારામનો સમાવેશ થાય છે. JDU સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, માધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ, શિવહર એટલે કે કુલ 16 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગની એલજેપીઆરને 5 બેઠકો મળી છે. જેમાં વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખાગરિયા અને જમુઈનો સમાવેશ થાય છે. હિન્દુસ્તાની અવમ મોરચા ગયાથી અને રાષ્ટ્રીય લોક મોરચા કરકટથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે NDAમાં બેઠક ફાળવણી મુદ્દે ઘણા સમયથી મતમતાંતર ચાલી રહ્યું હતું. બેઠકોની જાહેરાત બાદ પક્ષો દ્વારા ઉમેદવારોના નામો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બિહારમાં લોકસભાની 40 સીટો છે. વર્ષ 2019માં એનડીએને 39 બેઠકો મળી હતી. આ વખતે સીટ વહેંચણીમાં પશુપતિ પારસનો પક્ષ બહાર છે. પશુપતિ પારસને એનડીએમાં એકપણ સીટ મળી નથી. સંભવ છે કે આ ઔપચારિક જાહેરાત પછી પશુપતિ પારસ કોઈ અન્ય પક્ષમાં જઈ શકે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં NDA (BJP, JDU, LJP)એ 40 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 39 બેઠકો જીતી હતી. જ્યારે મહાગઠબંધન માત્ર એક બેઠક કિશનગંજ પર જીત મેળવી શક્યું હતું. આ બેઠક કોંગ્રેસે જીતી હતી. આ ચૂંટણીમાં RJDનો પરાજય થયો હતો.
બિહારમાં 19, 26 એપ્રિલ, 7, 13, 20, 25 મે અને 1 જૂનના રોજ એમ કુલ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે 4 બેઠકો પર મતદાન થશે, જ્યારે 26મી એપ્રિલ, 7મી મે, 13મી મે અને 20મી મેના રોજ 5-5 બેઠકો પર મતદાન થશે. 6ઠ્ઠા અને 7મા તબક્કામાં 8-8 બેઠકો પર મતદાન થશે.