વલસાડ: આગામી લોકસભા ચૂંટણીને લઈ તા.7 મેના રોજ ગજરાતમાં ત્રીજા તબક્કાનુ મતદાન થવાનુ છે. આ ચૂટણીના સમયમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વલસાડ જિલ્લાના વાંસદામાં એક સભા સંબોધી હતી જેમાં તેમણે પોતાની સરકારની ઉપલબ્ધી સાથે કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું.
ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વલસાડ જિલ્લાના વાસંદામાં એક જનસભા સંબોધી હતી. જેમાં તેમણે આદિવાસીઓના મુદ્દાઓ પર વાત કરતા જણાવ્યું હતું કે, કોગ્રેસ સરકાર આદિવાસીઓની વિરોધી રહી છે, જ્યારે તેમની સરકારમાં અલગથી આદિવાસી મંત્રાલય બનાવવામાં આવ્યું. કોંગ્રેસે અત્યાર સુધી આદિવાસીઓને અન્યાય કર્યો છે.
રાહુલ ગાંધીને આડે હાથ લેતા અમિત શાહે કહ્યું કે, સોનિયાબેને રાહુલયાનને 20-20 વખત લોન્ચ કર્યુ પણ કોઈ સફળતા ન મળી, રાહુલ ગાંધી વાયનાડે છોડ્યુ, અમેઠી છોડ્યુ અને હવે રાયબરેલી ગયા છે. અમિત શાહે કહ્યું કે, સમસ્યા બેઠકમાં નથી તમારામાં. ઈન્ડિ ગઠબંધન પર નિશાન સાધતા અમિત શાહે કહ્યુ હતું, તેમના ગઠબંધનમાંથી વડાપ્રધાન કોને બનાવવા તેજ તેમને સમજાશે નહીં. ત્યારે તેઓએ 1-1 વર્ષ સુધી વડાપ્રધાન બનાવશે જેના પર કટાક્ષ કરતા શાહે કહ્યું શું આ દેશ કરિયાણાની દુકાન છે કે, એક-એક વર્ષ ચલાવશો.