અમરોહાઃ બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે આજે પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ યુપીના અમરોહા જિલ્લાના ગજરૌલા પહોંચ્યા હતાં. અહીં સીએમ યોગી આદિત્યનાથ અને પાર્ટીના અન્ય અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ પીએમ મોદીએ મંચ પર સંબોધનની શરૂઆત કરી હતી.
પીએમના સંબોધનના કેન્દ્રમાં ખેડૂતો રહ્યા. તેમણે પોતાના 10 વર્ષના કાર્યકાળને ટ્રેલર ગણાવ્યું. કહ્યું, આપણે હજુ દેશ અને યુપીને ઘણું આગળ લઈ જવાનું છે. મેં 10 વર્ષ સુધી જે કર્યું તે માત્ર ટ્રેલર હતું. ફિલ્મ તો હજુ બાકી છે.
અમરોહા માત્ર ઢોલક જ નહીં પરંતુ દેશનો ડંકો વગાડે છે. મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં વિદેશી બેટ્સમેનોને ધોઈ નાખ્યા હતા. તેમના પ્રદર્શન સામે કોઈ ટકી શક્યું નહીં. અમારી સરકારે તેમની કામગીરીની પ્રશંસા કરી અને તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા. યોગીજી હવે અમરોહામાં સ્ટેડિયમ પણ બનાવી રહ્યા છે.
પહેલા ખેડૂતોની સમસ્યાઓ સાંભળવામાં આવતી ન હતી, હવે કામ થઈ રહ્યું છેઃ અમરોહા અને પશ્ચિમ યુપીનો આ વિસ્તાર તેમના મહેનતુ ખેડૂતો માટે પણ જાણીતો છે. કોંગ્રેસ, સપા અને બસપાની સરકારમાં ખેડૂતોની સમસ્યાઓ સાંભળવામાં આવતી ન હતી, ન જોવામાં આવતી હતી કે ન તેમની કાળજી લેવામાં આવતી. પરંતુ, ભાજપ સરકાર ખેડૂતોની મુશ્કેલી ઘટાડવા માટે રાત-દિવસ કામ કરી રહી છે.
મહત્વપૂર્ણ છે કે, બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે અહીંથી ભાજપે પોતાના કદાવર નેતા કંવર સિંહ તંવરને મેદાનામાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે બસપા માંથી સાંસદ રહેલાં દાનિશ અલીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દાનિશ અલીએ લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલાં પક્ષ પલટો કર્યો હતો અને બસપા છોડીને કોંગ્રેસમાં જોડાયા હતાં.