રાજકોટઃ સવારે સ્વયંભૂ રામનાથ મહાદેવનાં મંદિરે ધ્વાજારોહણ કરીને કોંગ્રેસ પક્ષનાં રાજકોટ બેઠક પર લોકસભાનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાની નામાંકનયાત્રા રાજકોટ ખાતે રંભી હતી. આ યાત્રા રાજકોટનાં હાર્દ સમા રેસકોર્સ રોડ પર બહુમાળી ભવન નજીક સરદાર ચોક ખાતે જન સ્વાભિમાન સંમેલન સ્વરૂપે વિસરી હતી, જયાં શહેર કોંગ્રેસ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ સીટ પર ગુજરાત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ તેમજ ઇન્ડિયા ગઠબંધનનાં ગુજરાત ખાતેનાં વરિષ્ઠ ચેહરાઓ અને રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈ લડી રહેલી અગ્રગ્રણ્ય ક્ષત્રિય મહિલાઓ પણ જોવા મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઉપરાંત સિદ્ધાર્થભાઈ પટેલ અને યુવા નેતાઓ માં અપક્ષ રાજનીતિનો માનીતો ચેહરો જીગ્નેશ મેવાણી, આમ આદમી પાર્ટીનો ગુજરાતનો ચેહરો ઈશુદાન ગઢવી તેમજ યુવાઓનાં હક્ક માટે આંદોલન કરી રહેલા યુવરાજસિંહ જાડેજા પણ એક મંચ પર જોવા મળ્યા હતા.
ક્ષત્રિય સમાજ મુદ્દે અણછાજતું નિવેદન આપતા રાજકોટ લોકસભા બેઠક પરનાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાળા વિરુદ્ધ રાજપૂતોનાં આંદોલનને સમર્થન આપતા ગીર સોમનાથનાં કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અખિલ કોળી સમાજનાં અગ્રણી હોવાનાં નાતે એ આંદોલનને ખુલ્લા મંચ પરથી સમર્થન આપતા, રાજકોટ લોકસભા બેઠકપર કોળી જ્ઞાતિનાં મતો તેમજ લેઉવા પટેલનાં વિભાજીત મતો, ક્ષત્રિય સમાજનાં માટે અને અન્ય સમાજનાં ગ્રામ્ય મતો જો ભાજપ વિરુદ્ધ પડે તો શું આ વખતે પણ રાજકોટ લોકસભા સીટ પર 2009 વાળી થાય જેમાં ભાજપનાં 2009ની લોકસભાની ચૂંટણીમાં કિરણ પટેલરૂપી કમળનાં ફૂલ પર કુંવરજી બાવળીયા નામનો પંજારૂપી ઝાટકો લાગ્યો હતો અને એ સમયે વર્ષ 2009માં રાજકોટ લોકસભા સીટ પર કમળનું ફૂલ કરમાઈ ગયું હતું.
તો બીજી તરફ ક્ષત્રિય મહિલાઓ એ રાજકોટ લોકસભા સીટ પર 200 ઉમેદવારી પત્રકો ઉપાડયા બાદ પરેશ ધાનાણીનું નામ સામે આવતા ડોક્યુમેન્ટેશન કાર્ય અધૂરું મૂકીને કોંગ્રેસને ટેકો આપવાનું મન બનાવી લેતા એક પણ ફોર્મ ભર્યું નથી, સાથે-સાથે આ જન સ્વાભિમાન સંમેલનમાં ખેડૂતો પણ પોતાનાં પ્રશ્નોને વાચાન અપાયાનાં રંજ સાથે હાજર રહીને કોંગ્રેસ અને પરેશ ધાનાણીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
ભાજપ અને કોંગ્રેસ મુદ્દે રાજકોટ લોકસભા બેઠક પર "અબ યાચના નહિ રણ હોગા ..." જેવો ઘાટ આજે જન સ્વાભિમાન સંમેલનમાં જોવા મળ્યો હતો જેમાં ઇન્ડિયા ગઠબંધનનાં નેતાઓએ દેશમાં ચાલી રહેલી વર્ચસ્વવાદની રાજનીતિને તિલાંજલિ આપવા લોકોને આવાહન કર્યું હતું, ત્યારે વિમલ ચુડાસમા દ્વારા ક્ષત્રિય આંદોલનને કોળી સમાજનો ટેકો અને આવનારા દિવસોમાં ક્ષત્રિઓની બૌદ્ધિક લડાઈ કેવો રંગ લાવી શકે છે, કમળને કરમાવે છે કે પંજાને મજબૂત કરે છે તેની પર સૌ કોઈ નજર જમાવીને બેઠું છે.