સેલવાસ : દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણી 2024ના ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ મેળવ્યા બાદ કલાબેન ડેલકરે અને પુત્ર અભિનવ ડેલકરે પોતાના સમર્થકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સમર્થકોને માતા-પુત્રએ અત્યાર સુધી જે રીતે સહયોગ આપ્યો છે. એ જ રીતે આગળ પણ સમર્થન આપતા રહેવાની અપીલ કરી હતી.
દાદરા નગર હવેલીના સીટીંગ શિવસેના સાંસદ અને હાલની આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયેલ કલાબેન ડેલકરે કાર્યકરોનું અભિવાદન ઝીલવા અને સમર્થન આપવા બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક સેલવાસના સાયલી સ્થિત તેમની વાડી ના નિવાસસ્થાને રાખવામાં આવી હતી. આ બેઠકમાં સીટીંગ સાંસદ કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે, મોહનભાઈના નિધન પછી કપરો સમય હતો. તે સમયે પ્રદેશના લોકો ડેલકર પરિવાર સાથે ઉભા રહ્યા અને જંગી બહુમતથી જીત અપાવેલી, અને પ્રદેશની અનેક સમસ્યાઓ માટે સંસદમાં તેઓ અવાજ ઉઠાવતા રહ્યા હતાં. હવે નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યની સરાહના કરી ભાજપમાં સામેલ કર્યા છે અને લોકસભા સીટના ઉમેદવાર બનાવ્યા છે.
કલાબેને વધુમાં જણાવ્યું હતું કે, તેમને લોકસભા ચૂંટણી લડવાની આ બીજી તક મળી છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. પ્રદેશમાં હજુ પણ પાણી, રસ્તા, શિક્ષણની સમસ્યા છે જેનું નિરાકરણ લાવવામાં પ્રયત્નો કરતા રહેશે. નરેન્દ્ર મોદીએ તેમના પર વિશ્વાસ મુક્યો છે. ભાજપે ટિકિટ આપીને જે વિશ્વાસ મુક્યો છે તેમાં પ્રદેશના દરેક લોકો પણ સપોર્ટ કરશે તો ફરી જંગી બહુમતથી જીત મેળવીશું.
જ્યારે અભિનવ ડેલકરે સૌનો આભાર વ્યક્ત જણાવ્યું હતું કે, તેઓ અત્યાર સુધી આપણા પ્રતિસ્પર્ધી હતા તેમની સાથે હવે કામ કરવાનું છે. આ લોકસભા ચૂંટણી જીતવાની છે. ડેલકર પરિવારને અત્યાર સુધી જે લોકો સમર્થન આપતા આવ્યા છે. તેઓ આ નિર્ણયને પણ વધાવે અને આગામી દિવસોમાં પણ એજ પ્રેમ ડેલકર પરિવારને આપતા રહે. અત્યાર સુધી આપણે તાકાત બનીને ઉભર્યા છીએ આગામી દિવસોમાં પણ તમામ સમર્થકો સાથે ઉભા રહેશે. પ્રદેશના હિત અને ભવિષ્ય માટે દરેકને સાથે લઈને ચાલીશું. ભૂતકાળમાં જે બન્યું તેને ભૂલીને ચાલવાનું છે. પાર્ટીએ મુકેલ વિશ્વાસમાં ખરા ઉતરી ફરી ઐતિહાસિક જીત મેળવીશું.