અમદાવાદ: ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે, અને જેને દરિયાની સંગત છે એવા જૂનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અને મરતબો અલગ જ છે. જૂનાગઢ એ એક સમયનું રજવાડું. જેને અનેક જોગી-યોગી-ભોગીને જોયા છે એવાં જૂનાગઢનું રાજકારણ બળવો, ક્રાંતિ અને સમન્વયનું કેન્દ્ર રહ્યું છે. આઝાદી સમયે જૂનાગઢના નવાબનું વલણ પાકિસ્તાન તરફી રહ્યું અને સરદાર પટેલ અને હારઝુ હુકુમતની લડત થકી આજે જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ છે.
સોમનાથ દાદાની ભૂમિ અને આદિકવિ નરસિંહ મહેતાની શબ્દ કર્મ ભૂમિ એવા જૂનાગઢે સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક અને રાજકીય પ્રવાહોમાં પોતાની આગવી અસ્મિતા અને ઓળખ અકબંધ રાખી છે. વિશ્વ પ્રસિદ્ધ કેસર કરી તો ગીરના ડાલામથા સમા સિંહ કેસરી જૂનાગઢ ગીરનાર અને તેની તપોભૂમિ વિસ્તાર સાથે એકાત્મક સર્જે છે. હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાહથી અસર પામી, આ ધર્મોને પણ પોતાની ભૂમિ પર વિકસવાનું વાતાવરણ સર્જ્યુ છે. મુસ્લિમ ધર્મ અને શાસકોનો પ્રભાવ પડ્યો પણ પોતાનું સાંસ્કૃતિક ઐક્ય જાળવી રાખ્યું છે. અશોકના શિલાલેખમાં સમયને મૂર્તિમંત કર્યો છે, એવાં જૂનાગઢની લોકસભા બેઠક પર યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપે બાજી મારી છે. છેલ્લી બે લોકસભા ચૂંટણી ભાજપે જીતી ખરાં અર્થમાં રાજકીય ગઢ સર કર્યો છે.
કોળી અને પાટીદારો ઉમેદવારો કેમ મારે છે બાજી ?
જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં જૂનાગઢ જિલ્લાની ત્રણ તો ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક તો નવ-રચિત ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં થાય છે. જે પૈકીની ગીર-સોમનાથની કોડીનાર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી મતદારોનો દબદબો રહ્યો છે, જેના કારણે ભાજપના કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમાએ છેલ્લી બંને ચૂંટણીમાં સરેરાશ 1.35 લાખ મતોની સરસાઈથી જીત મેળવી છે. જૂનાગઢ લોકસભા બેઠક પરની માંગરોળ, ઉના, સોમનાથ, તાલાલા અને કોડીનાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો મોટી સંખ્યામાં છે. બેઠકના રાજકીય ઈતિહાસને તપાસીએ તો અહીંથી કારડીયા રાજપુત, આહીર અને પાટીદાર સમાજના ઉમેદવારોને પણ સાંસદ બનવાની તક મળી છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ 7 - 7 ચૂંટણી જીત્યા છે
જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 17 ચૂંટણી યોજાઈ છે. જેમાં કોંગ્રેસ - 7, ભાજપ - 7, સ્વતંત્ર પક્ષ -1, ભારતીય લોકદળ -1 અને જનતા દળ - 1 વાર ચૂંટણી જીત્યા છે. એક રીતે જોઈએ તો ભાજપ-કોંગ્રેસ એક સરખી સંખ્યામાં ચૂંટણી જીત્યા છે. પણ આરંભનો કાળ કોંગ્રેસ અને હાલ ભાજપનો દોર કહી શકાય એમ છે. બેઠક પરની પહેલી બે સળંગ ચૂંટણી કોંગ્રેસના નરેન્દ્ર પ્રાગજીભાઈ નથવાણી જીત્યા છે. તો 1962ની ત્રીજી ચૂંટણી કોંગ્રેસના ચિન્હ પરથી ચિત્તરંજન રુગનાથ રાજા ઉર્ફે બચુભાઈ રાજા વિજયી બન્યા છે. જ્યારે દેશમાં સ્વતંત્ર પક્ષનો દોર હતો હતો ત્યારે સ્વતંત્ર પક્ષના વીરેન જીવણભાઈ શાહ વિજયી બન્યા હતા. પણ ત્યાર બાદની પાંચમી ચૂંટણી એટલે 1971 થી 1977માં કોંગ્રેસના નાનજીભાઈ વેકરીયા વિજેતા થયા હતા. દેશમાં કટોકટી બાદ યોજાયેલ 1977ની ચૂંટણીમાં મૂળે કોંગ્રેસી અને ત્યાર બાદ ભારતીય લોક દળ તરફથી ચૂંટણીમાં ઉતરેલા નરેન્દ્ર પ્રાગજીભાઈ નથવાણી જીત્યા હતા. વિપક્ષોની નબળી સરકારના પતન બાદ કોંગ્રેસનો પુનઃ ઉદય થયો અને એ સમયે ઇન્દિરા ગાંધી દેશના સુપ્રિમ નેતા તરીકે ઉપસ્યા અને 1980 અને 1984 એમ બંને ચૂંટણીમાં જૂનાગઢ બેઠકથી કોંગ્રેસ (આઈ)ના મોહનલાલ લાલજીભાઈ પટેલ જીત્યા હતા. 1989માં બોફોર્સ કાંડમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીનુ નામની ચર્ચાઓ જામી અને વર્ષ 1989માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વી.પી.સીંગના જનતા દળ પક્ષના ઉમેદવાર ગોવિંદભાઈ કાનજીભાઈ શેખડાનો વિજય થયો.
કોંગ્રેસનું બોફોર્સ કૌભાંડ જૂનાગઢ લોકસભા બેઠકને નડ્યું - કોગ્રેસનું ત્યારથી ધોવાણ
1989ની ચૂંટણી બાદ કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ જૂનાગઢ લોકસભા બેઠક પરથી ગુમાવ્યું. 1989 બાદ જૂનાગઢ લોકસભા બેઠક પર યોજાયેલી આઠ ચૂંટણી પૈકી ફક્ત 2004ની એક જ ચૂંટણી જીતી હતી. 2004માં કોંગ્રેસે છેલ્લી ચૂંટણી કોંગ્રેસના જસુભાઈ બારડે જીતી હતી. 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પહેલી વાર જૂનાગઢ બેઠક હાંસલ કરી હતી. ભાજપના ભાવનાબહેન ચીખલિયાએ 1991થી 1999 સુધીની સળંગ ચાર લોકસભા ચૂંટણી જીતી, ભાજપનું પ્રભુત્વ સ્થાપ્યું હતુ. ભાવનાબહેન ચીખલિયા અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ - 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કમબેક કર્યું. 2004માં કોંગ્રેસના જસુભાઈ બારડનો ભાજપના ચાર વખતના વિજેતા ભાવનાબહેન ચીખલિયા સામે 40,921 મતે વિજય પ્રાપ્ત થયો હતો.
2009ની સૌથી રસપ્રદ અને રોચક ચૂંટણી, અપક્ષે જીતાડ્યો ભાજપને
બેઠક પરની સૌથી રસપ્રદ ચૂંટણી 2009ની હતી. 2009માં ભાજપે દીનુ સોલંકીને ટિકિટ આપી, તો કોંગ્રેસે જસુભાઈ બારડને રિપીટ કર્યા. આ ચૂંટણીમાં 57.88 ટકા મતદાન થયું. પણ ચૂંટણી પરિણામ પર અપક્ષ હિરાલાલ ચૌહાણને પ્રાપ્ત 23,290 મતોએ અસર કરી. ભાજપના દિનુ સોલંકીને 3,55,295 મત પ્રાપ્ત થયા તો કોંગ્રેસના જસુભાઈ બારડને 3,41,546 મત પ્રાપ્ત થયા. અપક્ષના 23,290 મતોના કારણે ભાજપના દિનુ સોલંકીનો 13,759 મતે વિજય થયો હતો. ટકાવારી પ્રમાણે જોઈએ તો દીનુ સોલંકી માત્ર 1.81 ટકા મત તફાવતથી જીત્યા હતા.
મોદીકાળની 2014-2019ની ચૂંટણી, ભાજપ-કોંગ્રેસના સમાન ઉમેદવાર, સમાન પરિણામ
યુપીએ કાળની 2004-2009ની બે ચૂંટણી પૈકી એક કોંગ્રેસ જીતી તો 2009ની ચૂંટણી ભાજપ અપક્ષ ઉમેદવારના મતથી જીતી. પણ 2014 અને 2019ની બે ચૂંટણી ભાજપે જંગી બહુમતીથી જીતી હતી. 2014માં ભાજપે એ સમયે માંગરોળના કોળી સમાજના ધારાસભ્ય રાજેશ ચુડાસમાને ટિકિટ આપી. 2014ની મોદી લહેરમાં રાજેશ ચુડાસમાનો કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશ સામે 1,35,832 મતે વિજય થયો હતો. કોંગ્રેસના પુંજા વંશને 3,77,347 મત પ્રાપ્ત થયા હતા. જ્યારે નોટામાં કુલ 17,022 મતો નોંધાયા હતા. મોદી કાળની 2019ની ચૂંટણીમાં ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા. તો કોંગ્રેસે પણ 2004ના ઉમેદવાર પુજા વંશને રિપીટ કર્યા. 2019માં રાજેશ ચુડાસમાને 5,47,952 મત પ્રાપ્ત થયા. કોંગ્રેસના ઉમેદવાર પુજા વંશને 3,97,767 મત પ્રાપ્ત થયા અને રાજેશ ચુડાસમાનો 1,50, 185 મતે વિજય થયો હતો.
સાંસદો સામે ગંભીર વિવાદો, 2024માં ભાજપ ઉતારી શકે છે નવો ચહેરો
જૂનાગઢ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં ઉપલબ્ધ ખનીજ અને વન્ય પેદાશોના ગેરકાયદેસર ખનન માટે અનેક ફરિયાદો ઉઠતી રહેતી છે. જેના કારણે આ વિસ્તારમાં એક રાજકીય હત્યા પણ થઇ હોવાનો ઇતિહાસ છે. જેમાં જૂનાગઢ બેઠકના પૂર્વ સાંસદ દિનુભાઈ બોઘાભાઈ સોલંકીને જેલની સજા પણ થઈ હતી. જૂનાગઢ બેઠક પરની 15મી લોકસભાના ભાજપના સાંસદ દિનુભાઈ બોધાભાઈ સોલંકી પર એક માહિતી અધિકારના કાર્યકર્તાની હત્યાનો કેસ હતો. આ કેસના પગલે દિનુભાઈ સોલંકીને જેલની સજા થઈ હતી. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સાથે પણ વિવાદના સમાચારો પ્રગટ થતા રહે છે. છેલ્લી બે
ટર્મથી સાંસદ રહેલા ભાજપના ધારાસભ્ય રાજેશ ચુડાસમા સામે વેરાવળના એક ડોક્ટરે કરેલી આત્મહત્યા માટે કારણ બન્યા હોય એવાં સમાચારો મીડિયામાં ચમક્યા હતા. જો કે ભાજપે આ વિવાદની સામે અથવા બચાવમાં કોઈ પગલા ન લઈને ચુપ્પી સાધી છે. શક્ય છે આ વિવાદના કારણે 2024માં જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપ નવો ચહેરો ઉતારી શકે છે.